Sunday, 22 December 2013

અરે, આતો સ્પશૅ મળ્યો મને...

અરે, આતો સ્પશૅ મળ્યો મને મારા જ આત્માનો.......
પ્રભુ તમારા જ સંગાથથી,
પ્રકાશ મળ્યો મને મારા જ આત્માનો......


બંધનો-વળગણો ક્યાં હતા જ,એતો અમથો મુખોટો હતો, વંચિત કરતો મને મુજથી
મન, હ્રદય, પ્રાણ અને શરીરને સ્વસ્થ સ્વાસ્થ્ય આપી......
પ્રભુ તમારા સ્પર્શે જ,
ઊદ્ઘાટિત કર્યો મારા જ આત્માને.....


આ સ્વરુપ!, આ અસ્તિત્વ!, આ જીવતર!, આ જન્મ!
આને વિહ્વળતા કહું કે આનંદ કે પછી કૃપા........
પ્રભુ તમે તો,
ઉદ્ધાર કરી દીધો મારા જ આત્માનો......


મોરલી શરણે તમને, નમે તમને, વંદે તમને કે તમે તો
તમ હાજરીથી ભરી દીધો મારા જ આત્માને....
પ્રભુ, તમે તો,
ધન્ય કરી દીધો મારા જ આત્માને......



-         મોરલી પંડ્યા

      ડિસેમ્બર ૨૨, ૨૦૧૩

Thursday, 28 November 2013

મને પાંખો આપો...

મને પાંખો આપો,
મારે પણ પંખી બની ઉડવું છે……

આ આકાશમાંથી વાદળની જેમ,
મારે પણ મેઘ થઈ વરસવું છે……

આ ખુલ્લી ભીની ધરતીમાંથી,
મારે પણ કૂંપળ થઈ ફુટવું છે……

આ ઘટાદાર વૃક્ષ ની ડાળ પર,
મારે પણ ફુલ થઇ ખીલવું છે……

આ સર્વસ્વ - સમસ્ત સર્જકના સથવારે,
મારે પણ "એના" થકી - "એના" બની રચવું છે……



  -  મોરલી પંડ્યા

     ઓક્ટોબર ૨૮, ૨૦૦૯

Sunday, 10 November 2013

પ્રભુ સાંભળ્યુ હતુ કે...

પ્રભુ સાંભળ્યુ હતુ કે તમે કણ કણ માં છો....

કયાં ખબર હતી કે તમારો જ આ શ્વાસ છે અને
તમારો જ આ મુકરર પ્રવાસ છે.....

કયાં ખબર હતી  કે આ શરીરસ્વરુપ છે ત્યાં સુધી આ જ સમજાતો અભ્યાસ છે અને એજ તો સમજનો સહુથી મોટો વિલાસ છે......

કયાં ખબર હતી  કે વ્યક્તિતાથી વિલીનીકરણનો આ જ તો ઈતિહાસ છે અને હું - મારું - મુજ - નો આજ તો પચીદો ઉપહાસ છે.......

તમે જાણો અને તમે જ પામો, મારો તો બસ આમ જ જીવ્યે જવાનો અને
માણસ બની ટકી રહેવાનો સતત પ્રયાસ છે.....

પ્રભુ, સમજાયું હવે કે તમે જ કણ - ક્ષણ - જણ માં છો અને
છતાંય આભાસની પેલે પાર વસતા માણસ હૄદયનો અતૂટ વિશ્વાસ છો.......

મારા સાથી, માણું હવે તમ સંગાથ ક્ષણે ક્ષણે પળે પળે કે જ્યાંથી વહે પ્રેમ અને શાંતિની સુવાસ બધે.....

મોરલી નમે તમને, વંદે તમને, શ્વસે તમથી....
હે પ્રભુ.....પ્રભુ.....પ્રભુ.......

-         મોરલી પંડ્યા

વેમ્બર ૧૦, ૨૦૧૩