Wednesday, 12 August 2020

સદંતર નવીન પ્રદેશ ભણી...

 

ન આવડત ન હુન્નર ન અનુભવ ન ટૂંકસાર
ન બુદ્ધિ પાસે સામગ્રી ન મનને ટેવ વિચાર
ન કળ ન કેળવણી ન સંદર્ભમાં અભિપ્રાય
સદંતર નવીન પ્રદેશ ભણી દોરે જીવનસુકાન

નિશ્ચિત ત્યાં ભારોભાર નવસ્તરનો અવકાશ
તૈયાર પ્રતિ પદાર્પણ ને અભૂતપૂર્વ જીર્ણોદ્ધાર 
દિવ્યચેતના ને જો પોકાર તો જાણે ચમત્કાર 
માનો, સઘળું જરૂરી ઓઢતું યોગ્ય ચિતાર

ઉતરી આવતાં કૌશલ્યો કરણો ને પરિણામ
દ્રષ્ટિ સ્થિતિ રીતિ વીધિ ધરે નવ પોશાક 
આવશ્યકતા અનુસાર ધરે રૂપ ને બદલાવ
લચીલું સઘળું જેટલું સમર્પિત જેટલું ગ્રાહ્ય

આરોહણ અવતરણ ને પ્રાગટ્ય નિર્બાધ
પળે પળે બસ! એ જ ગ્રહણ-અમલ નિષ્ઠાચાર...

પ્રભો...

ઓગસ્ટ ૨૦૨૦


Flower Name: Dianthus caryophyllus

Carnation, Clove pink

Significance: Collaboration

Always ready to help and knows how to do it.

Tuesday, 11 August 2020

કૃષ્ણ કૃષ્ણ બની રહો પ્રત્યેક...

અગણિત દેહો પૃથ્વી પર, પધારો ધરો નિવાસ!
અષ્ટમીએ વસી રહો, માનવશરીર મહીં સાક્ષાત...

પ્રગટો યોગ્ય સંસાધન થકી, વિશ્વ જુએ વાટ
કૃષ્ણ કૃષ્ણ બની રહો પ્રત્યેક, પ્રતિ જે જે તૈયાર...

તવ મૂક્યાં માનવો ને તવ સૂચવ્યો જીવે માર્ગ
અવતરો અવિરત હવે પૃથ્વી ફળદ્રુપ આધાર...

ભક્તિએ પણ ચડાણ ધર્યો ને ન નર્યો ભાવવાદ
મુક્તિ શક્તિ સમૃદ્ધિ ભરી ને સમસ્ત ઉદ્ધાર કાજ...

પદાર્પણ હજો કહાન તમોનું, વિકાસ ઈચ્છે વિકસાવ
સત્ય ધૈર્ય શાંતિ શાણ ને એકાગ્રતામાં તપસ સૌહાર્દ...

નવ રૂપે ઉત્સવ ઉજાળ...
જય કન્હૈયા કી...

પ્રભો...

ઓગસ્ટ ૨૦૨૦


Flower Name: Eichhornia crassipes

Water hyacinth. Water orchid

Significance: Krishna’s Play in the Vital

In His midst it has all its charm.

Monday, 10 August 2020

ખીલતું જાણે ઉદ્યાન...

સમર્પણે અસ્તિત્વ ખીલતું જાણે ઉદ્યાન
ને સમર્પિત શિશુવત્ પદ્મચરણે સદાકાળ

અદમ્ય કરુણા ને અખંડ કૃપાનો વરસાદ
ભીંજવતો રહે ને વહેતો પ્રસરતો મહીંથી અફાટ

જેમ જેમ સંમિલન બનતું શાંત સ્થિર ને પ્રગાઢ
પુષ્પસમ ખીલતું રહે દિવ્ય માર્ગદર્શનમાં નિતાંત

સંપૂર્ણ નિદર્શન દર્શન પ્રદર્શન ને પરિણામ
એકરૂપ ને એકમેવ શ્રી મા ને શ્રી પરમ તાત

એક જ વહેળો ઠેઠ ઉર્ધ્વેથી પાદ પશ્યાત
વહેતો નિરંતર, ઝીલનાર સતત સભાન

માર્ગ કરતો જ્યાં જરૂરી જેટલો ને જે કાજ
સઘળાંમાં સચોટ ફળદ્રુપ યોગ્ય ને છોડે લહેર પ્રભાવ...

અન્યો પણ ક્યાં બાકાત!

પ્રભો...

ઓગસ્ટ ૨૦૨૦

Flower Name: Rosa

Rose

Significance: Loving Surrender

A state that can be obtained by surrendering to the Divine.

Sunday, 9 August 2020

કરે ચેતના નિવેશ...

મૂલાધારે વસી પ્રગટતો માત શ્રીનો પ્રેમ
વિસ્તરતો અફાટ! જોજનો ઠેઠ ઠેઠ

ભલભલું બાધક વિનાશક વિધેય
શમતું એ અનુકંપામાં ભળી નિ:શેષ

જાણે, દરિયો સમૂહ ને પ્રવાહ અનિમેષ
સર્વકંઈ ધોવાતું, સ્પર્શ માત્ર ને નિ:ર્ભેળ

ન શુદ્ધિની પ્રક્રિયા કે ન પલટાતાં વેષ
બસ! સહજમાં ‘આમથી આમ’ ન વિશેષ

સંદર્ભ રીત સમજ અભિગમ ટેવ ટેક
ન નામોનિશાન. જેવો માતપ્રેમનો અભિષેક

ઉચ્ચસ્તરે પ્રસ્થાપિત કરે ચેતના નિવેશ
સંપર્કમાં તૈયારી તો મેળવે ઉત્થાન અપરિમેય...

પ્રભો...

ઓગસ્ટ ૨૦૨૦

Flower Name: Ipomoea hedeifolua

Significance: Opening of the Physical to the Divine Love

The surest way to find happiness.

Saturday, 8 August 2020

જતન કરજે... ને કરજે ...જાળવણી


જતન કરજે... ને કરજે ખુદથી જ ખુદની જાળવણી
દુન્યવી સંદર્ભમાં ભલે ન બેસતી એ તણી પ્રવૃત્તિ

મહત્વકાંક્ષા થોડી ઊણી ને પરિણામે દેખાતી ટૂંકી
કહેવાતી સફળતાથી બે ડગલાં છેટી! વાંધો નહીં

મોજશોખની સરખામણીમાં દેખાય હજી ખૂટતી
ને રાચરચીલે વૈભવ વિલાસે ઓછી! વાંધો નહીં

‘વ્યવહાર’નાં વ્યવહારમાં રહેવાની સતત દેખાદેખી
ને એ સકંજાની ફસવણી અવગણી! વાંધો નહીં

રૂખ તો આવતા જતા ને પ્રવર્તમાન રહે કંઈ ને કંઈ
પ્રત્યેક કે અમુક ન જચ્યાં કોઠે વળગી! વાંધો નહીં

જવા દે...જવા દે... સપ્રેમ જતું ને રહેતું જે સાથે રાખી
ભીતરથી સ્ફૂરતી ધાર આધારી તો થશે “ચાર ચાંદ જડી”!

પ્રભો...

ઓગસ્ટ ૨૦૨૦


Flower Name: Chlorophytum comosum ‘Vittatum’

Spider plant, Spider ivy, Ribbon plant

Significance: Care

To be careful in what one does.

Friday, 7 August 2020

એ સામે ક્યાં વિસાત?


ક્ષણે ક્ષણે અતિમનસનો સંભવિત આવિષ્કાર
તું કયાં ભાવિને માટે સાશંક ને છેડે વાત?

જ્યાં પળ પળ પરમે પરમનો નવીન સાક્ષાત્કાર
અણદીઠીમાં ક્યાં ચિંતા મૂકવી બેબુનિયાદ?

સમગ્રને સમાવતું આ તો અસ્તિત્વ તત્વ વિરાટ
સમાંતરે થોડું જોખાય જે નહિવત્ ક્ષણિક સાવ?

સદંતર નવ સત્ સ્તરનું આવી રહ્યું પદાર્પણ પ્રાજ્ઞ
મનોવિદ્ ધારણાઓની એ સામે ક્યાં વિસાત?

કોષરચના ને ક્ષમતામાં આવી રહ્યો મૂળભુત ફેરફાર
બાહ્ય અવલંબનોમાં કેટલાં પ્રમાણિક મૂળાર્થ?

જીવનધોરણ ને માનવ મૂલ્યોમાં વિસ્તૃત બદલાવ
ઝોકનાં વહેણને કંઈ હોય મંજૂરી જે અસ્થાયી ને મર્યાદ?

તું છે વિસ્તાર ને વિસ્તૃતનો ફેલાવ...
બસ! વહી રહે...ભળતું રહેશે જરૂરી આપોઆપ...

પ્રભો...

ઓગસ્ટ ૨૦૨૦

Flower Name: Barringtonia asiatica

Significance: Supramental Action

An action that is not exclusive but total.

Thursday, 6 August 2020

આવનાર દાયકાઓ ...



અજોડ તત્વ ઉદ્-ઘાટિત થયું છે આજે
સદીઓથી પ્રવર્તમાન તમસ વિરામ સાથે

વળી સનાતનસતનું સત્ય પથરાશે
સમત્વ ને સમાનનું પ્રભુત્વ જામશે

વિભાજન ને વિલીનીકરણ સમાશે
વિયોજન સુયોગમાં પ્રજ્વળી જાશે

છેવાડે સુધી વિશુદ્ધિ દીપ્ત થાશે
ખૂણે કોરે સમનત્વનો પાઠ પ્રસરાશે

સનાતન તપસથી ધરાતૃષા છીપાશે
ભૂમિ કોઠે ધરબાયેલ સત્વરાજ સ્થપાશે

મનોકોષમાં ધરમૂળથી બદલાવ આવશે
પ્રાણજગત પણ ઠરતો પચતો હોમાશે

આવનાર દાયકાઓ અવર્ણનીય વરતાશે
ઇતિહાસ પળે પળે નવતર ગણતર નોંધાશે

વેગ તીવ્રતા પ્રસાર ઊંડાણ - પ્રત્યેક પ્રકારે
ચતુર્ભુજ પંચમહાભૂત સર્વને સથવારે...

પ્રભો...

ઓગસ્ટ ૨૦૨૦


Flower Name: Hibiscus rosa-sinensis

Chinese hibiscus, Hawaiian hibiscus, Rose- of-China

Significance: Charm of the New Creation (Charm of Auroville)

The New Creation is attractive to all those who want to progress.

Wednesday, 5 August 2020

એમ ચણાતાં પાક્કાં ચડાણ...


એક હદ પશ્યાત ભ્રમણ રહેવાનું સભાન
એ હોય જ હંમેશ ને રહેશે આપોઆપ
અધ્યાત્મનાં પાયા ને પસારતાં પાયદાન
દર સ્તરે મનપ્રાણ આદરે સ્વપ્રેરિત લટાર

ભ્રમણ હો કોઈપણ! કોઈ સ્તરનું કે સ્થાન
સ્થૂળ કે સુક્ષ્મનું, હકીકતમાં કે અદ્રશ્યમાન
ગમન પ્રત્યાગમન આવાગમન સ્વપ્ન સાવ
શક્ય વિના કનડગત નોંધ કે આદાનપ્રદાન 

ચેતા તર્ક કે વિશ્ર્લેષક વિવિધ બુદ્ધિ ભાગ
સમર્પણમાંથી હજી રહી હોય જરા કચાશ
બુદ્ધિનાં રહ્યાં અંશો હજી ક્યાંક બાકાત
પ્રત્યેક સંદર્ભિત કોષમાં ઘૂસવું એ જ્ઞાનભાન

જડી દે ઊંડે ઊંડે સુધી સમગ્રે જડબેસલાક
અસ્તિત્વ આખું પોકારે એક જ સુર સાર
અંદરથી સ્ફૂરવું રક્ષણ કાજે શ્રી મા-પ્રભુ નામ
ને એ સર્વેમાં દિસવો માત-તાતનો વાસ વ્યાપ

ને યોગ્ય સમયે ઊપજવું બની કર્તા મદદગાર
નિન્દ્રા સ્વપ્ન જાગ્રત અવસ્થામાં સૂઝવું તત્કાલ
ને શક્તિસમર્થ એ અનુસરે સહજ સાક્ષાત
સમર્પણનાં એમ ચણાતાં મજબૂત પાક્કાં ચડાણ...

પ્રભો...

જૂલાઈ ૨૦૨૦
 

Flower Name: Delphinium

Larkspur

Significance: Soaring

Take your flight towards the heights.

Tuesday, 4 August 2020

નહીં મળે મર્મ... એ માર્ગે ...



આજ નહીં તો કાલ સમજાશે
કોષો ખુલશે ને સમજ સમાશે

હ્રદયે સ્પર્શ્યું? તો અર્થ પામશે
મૂંઝવણ જ માર્ગ ખોદી કાઢશે

ભલે, એ ‘શું’ ‘શું’ મૂકે સવાલે
‘અણગમતું’ કે ‘વ્યર્થ’ જતાવે

ટકી રહેવું જે કંઈ ભાવ આવે
ન શોધવો જવાબ અધ્યાહારે

મનમતિની ભાગાભાગ ન સહારે
નહીં મળે મર્મ અર્થો એ માર્ગે

ન પ્રશ્નોથી ન જિજ્ઞાસાને ટકોરે
ન ખોળંખોળ કે ન ધૈર્ય ગુમાવે

પણ પિપાસા ન છોડવી કોઈ કાળે
જરૂર જ્ઞાન સમજ અવતરશે એક ટાણે 

ત્યારે જ, જ્યારે ધરી શકશે શાણ સદાયે
ને હિસ્સો બનશે વલણ અમલનો નિર્વિવાદે...

પ્રભો...

ઓગસ્ટ ૨૦૨૦


Flower Name: Acacia leucophloea 

Significance: Knowledge of Details

Manifold and minute it forgets nothing.

Monday, 3 August 2020

પચાવ કે પધરાવ...



વાગોળવામાં હજીયે પશુવૃત્તિ
અચેતન બેધ્યાન પુનરુક્તિ
ન સ્વાદ હવે ન પોષકસ્મૃતિ
ફક્ત ‘મનોપિત્ત’ની અધોગતિ

ચગળ ચગળતી યાદગીરી
સમયવિહીન પકડ હઠીલી
અવગણ્યાં વર્તમાનને હાવી
તાણતી ભીતર ભાવસ્થિતિ

સભાનતા ને થકી નકાર શૈલી
જે હઠેલે ભરી તટસ્થ દ્રષ્ટિ
ધકેલાતું રાખે પ્રતિ ‘જઠરાગ્નિ’ 
સમય વહેળાંમાં પચવું જરૂરી

પલટવું રહે વાગોળતું ભાવિ
અર્પણમાં મૂકી એક એક ધોરી
બનાવવો અખંડ હોમ રહી પધરાવી
વાતાવરણમાંથીયે નાબૂદ નિશાની

કોઈ પણ એક... પણ મનોપિત્ત તો નહીં જ.

પ્રભો...

જૂલાઈ ૨૦૨૦


Flower Name: Eranthemum pulchellum

Blue sage

Significance: Aspiration for Silence in the physical Mind

Does what it can, but cannot do much.

Sunday, 2 August 2020

એકીકરણ ને એકત્વ ...



એકમેકની અંદર એકમેકનું અસ્તિત્વ એક
ન કશુંય ખાસ એક ને જુદું અન્યોથી વિશેષ

સર્વેમાં સર્વકંઈ ને સર્વકંઈમાં વસે એકમેક 
હળતું ભળતું વહેતું સઘળું ન સવિશેષ શ્રેષ્ઠ

વૈવિધ્યમાં ઐક્ય ને એકમ જ સર્વ નિવેશ 
ન અલાયદું પ્રાવાધાન આદાનપ્રદાન કે સમાયેશ

વર્ગીકરણમાં એકીકરણ ને એકત્વ જ ભેદ
નિર્વાચન વિમોચન વિઘટન ફક્ત ગતિ પ્રત્યેક

પૃષ્ઠભૂ એ! જાણ સંનિધિ સંક્રમિત સક્રિય એજ
સુચારુ સહજ રૂપઅરૂપ આવાગમન શ્રેયકર સવિતુર સર્વમેવ...

પ્રભો...

ઓગસ્ટ ૨૦૨૦


Flower Name: Acalypha

Copperleaf

Significance: Continuity

To know how to persist in one's effort.

Saturday, 1 August 2020

આ તો ફક્ત શરૂઆત...



જડતામાં જડબેસલાક તાળાકૂંચી સહિત બંધ કમાડ
કોની હિંમત કે ટકોરે કે ટકોરો મારે એ ખોલવા દ્વાર

ન શબ્દો ન વાચા ન ભાવ ન વિવેક ન બુદ્ધિનું કામ
કશુંય ન સ્પર્શે ન પહોંચે ન સમજાવે ભણી બદલાવ

જડત્વનું સામ્રાજ્ય જડ બંધ અંધ ઘુટન જડબેસલાક
અત્યંત સંકડાશ ને ખૂણામાં ખેંચી દબાવી રાખે ક્યાંક

ન હલનચલન ન આવાગમન ન ખુલવા દે સહેજ સભાન
જ્યાં એ ગતિવિધી કે અંદેશ અભિપ્રેત! ને ફરી ચણે દિવાલ

ડરાવે જો એ બાહ્ય નિશાનીને આપો અગત્યતા ને ભાવ
કે વિશ્ર્લેષક બની આંકો વાતવ્યવહારની સમજ શાણ

બસ! નિર્ભય નિ:સ્પર્શ નિરુત્સાહ ધરી રહેવું એકાગ્ર
પધરાવ્યા કરવી વારંવાર સતત ચણાતી વાડ બેઅપવાદ

અતિમનસ ચેતના જ પલટાવે બની ધારદાર ઈલાજ
અનુકંપાની કૃપાવર્ષા ઘૂસી ફરી વળે ને જડમાં ભરે ભીનાશ

ને એ નરમાશ ભેદે ખડકો ને ખોલે ભલભલાં બાંધ
ભીતર સુધી લઈ જઈ ચણે મંદિર ને કપાટ ખોલી મૂકે અફાટ...

આ તો ફક્ત શરૂઆત...

પ્રભો...

ઓગસ્ટ ૨૦૨૦


Flower Name: Thunbergia erecta

King's mantle, Bush clock vine, December flower

Significance: Opening of the Higher Vital to the Light

The vital existing only for the Divine. The vital knowing no other master than the Divine.