અહો!
પધાર્યા ગણદેવ! મમ દેહે, હળવેક!
સદીઓથી તાકી રહી'તી અપલક નેત્ર
આવકારું! સ્થાપિત હો અહીં સદૈવ.
અદ્ભૂત સ્ફૂરણ ને ભાવ સંગે ઉદ્દેશ
સ્વગત દેવ દેતાં અનુભૂતિ ને સંદેશ!
સર્જન-વિસર્જન ચક્કર ન હવે, શેષ.
"હું છું અહીં, જીવંત, સક્રિય હર હંમેશ,
મા-પ્રભુ વૃત્તિ પ્રવૃત્તિને દેવા આવેગ
બની રહીશ અગ્રે, હું વિઘ્નહર્તા ગણેશ"
પ્રભો...પ્રભો...કેવો આલ્હાદક આશ્લેષ!
વંદુ નતમસ્તક. અહોભાગી, પામી ભેટ.
પધારો! પધારો! ધન્ય, ધની ભવભેખ.
ગણપતિ બાપા મોરિયા..
'મોરલી'
સપ્ટેમ્બર, ૨૦૧૮
પૂર્વે પ્રસ્તુત વર્ષ દર વર્ષની ચતુર્થી સ્તુતિ માટે વ્હાલાં શ્રી ગણપતિદાદાને કોટી કોટી સાભાર વંદન...
વર્ષ ૨૦૧૭ …
મંગળ આગમન શ્રી અક્ષર દેહ!
વાક ચિત્ત સ્થિતપ્રજ્ઞ દ્યોતક ગંદેવ!
સંકટ, કટુ, ઉણું અશુદ્ધ ભંજક ધિદેવ!
દુર્વા, શંખ, ગજમુખ ધારક વિશ્વેશ!
મોદક મિત્ર, મૂષક સવાર ગણેશ!
આરંભે શુભલાભ પ્રયોજક પરમેશ!
રિદ્ધિ સિદ્ધિ વૃદ્ધિ બુદ્ધિ વર સુતશ્રેષ્ઠ!
ભ્રકુટ મધ્યે અજ્ઞા બિરાજીત સિદ્ધેશ!
સ્થિર ધીર સમત્વ સમાધિક દેવેશ!
આજ ચતુર્થી! પધારો ગુરોત્તમ સર્વેશ!
નમો નમઃ શ્રી ગણપતિ વિઘ્નહરેશ!
'મોરલી' વંદન ...
મહાદેવ અને પાર્વતી પુત્રને વારસાગત દેવત્વ હતું છતાં દેવલોકમાં સિદ્ધ કરવું પડ્યું હતું. સોહામણું બાળમુખ પામ્યા પછી ખોયું ને છતાં કટુતા ધર્યા વગર દેવત્વ સાથે સ્વર્ગનો ને એમ સત્ય પર વિજય મેળવ્યો.
કદાચ એટલે જ શ્રીગણપતિદાદાને વિઘ્નહર્તા કહ્યાં.
તેઓથી વધુ અન્યનું દુ:ખ દર્દ પીડા કોણ સમજી શકે!
એટલે જ ગણેશતત્વ-ચેતના હંમેશ આરંભ સ્થાને સ્થાપિત થાય છે. એમાં વિલંબ, વિટંબણા, વિખવાદ ગ્રસી શ્રદ્ધા સામે શુભલાભ સ્થાપવાની સિદ્ધિ... શક્તિ... સમૃદ્ધિ છે.
દુંદાળાદેવ ઊણપ, રૂઢિગત, સામાન્યને પડકાર છે. જે પણ રુંધતું, અટકાવતું, વિકાસ વિરુદ્ધ છે ત્યાં એમનો આમંત્રણે થતો હસ્તક્ષેપ છે.
શ્રી સિદ્ધિવિનાયકનું વ્યક્તિત્વ અને તત્ત્વત્વ બંને સવિશેષ છે પ્રેરક અને રક્ષક છે
ધન્ય...ધન્ય...પ્રભુ...
સાદર...
*ઓગસ્ટ, ૨૦૧૭
વંદના, વંદના, ॐ ગં, વંદના...
વિનાયકા ચતુર્થે, ॐ શ્રી ગણેશા...
એકદંત ગ્રીવા, ॐ વિઘ્નેશ્વરા...
લંબોદર મહા, ॐ શ્રી ગણેશ્વરા...
વક્રતુંડ ગજા, ॐ શંકર સુતાય...
ગુણાતીત બ્રહ્માંડ, ॐ શ્રી દેવાય...
રિદ્ધિસિદ્ધિ પ્રાણ, ॐ ગજકર્ણા...
શ્રી સુમુખ, વિકટા, ॐ શ્રી કપિલ...
ભાલચંદ્ર ભવ્યા, ॐ સુપુત ઊમા...
યુગે યુગે શ્રીવતાર, ॐ આદિદેવા...
દુર્વા, મોદક, લાલ પુષ્પ અર્ચના...
સ્વીકારો સ્વસ્તિસ્થાન, 'મોરલી' વંદના...
શ્રી ગણેશ અસ્તિત્વ - તત્વસમૂહોથી ભરેલું - એક હકીકત છે. મનપ્રદેશ વટાવીને એ સંપર્ક સુધી પહોંચી શકાય છે.
શ્રીસિદ્ધીવિનાયક ત્યાં રહીને, સંપૂર્ણ બ્રહ્માંડ ઊપર કૃપાદ્રષ્ટિ પાડી રહ્યાં છે. સંદર્ભ, સમજ, સ્ત્રોત બની જગને જીવંત રાખી રહ્યાં છે.
દુંદાળાદેવ, નાભિ પાછળ જગ સર્જનની સ્યાહી ભરીને બેઠાં છે, જ્યાં સર્જનશક્તિ અંતરાયાનો પોકાર થાય ત્યાં લેખ લખવા પહોંચી જાય છે.
ગણપતિદાદા કરુણામૂર્તિ છે. વિઘ્ન તત્વનાં વિરોધી છે. એને મહાત કરવા જ જાણે સ્વરૂપ લીધું છે. શુભસ્ય શીઘ્રમ્...એટલે કે પહેલ કરવી - એ જ શુભ છે - નાં પ્રણેતા છે, એમાં જ એમનાં આશીર્વાદ છે. દરેક શરૂઆતમાં તેઓ હાજર રહી એને અંતિમ ફળ પ્રદાન કરે છે. સૃષ્ટિ સર્જન ચક્રમાં ગતિ બનીને માનવને પ્રેરતા રહે છે. ઊત્સાહનો ભાવ આપીને વિલંબોને ગ્રસી લે છે. સ્વીકાર આપી જે તે વ્યક્તિને એમનાં પગલે પગલાં ભરાવે છે, એ આગળ ચાલીને દોરે છે, જીવતરમાં અસીમ પ્રભાવ મૂકે છે.
પધારો બાપ્પા...
આ આલ્હાદક અનુભૂતિને ફરી એકવાર સત્ય બનાવી...
આભાર તમારો!
ભરપૂર વિનમ્રતાપૂર્વક વંદના...પ્રભુ...
* સપ્ટેમ્બર, ૨૦૧૬
નમન...નમન હે ગજાનન!
દિન પ્રારંભે ગણેશ સ્તવન!
વિઘ્ન વિનાશક હે વિનાયક!
ભૃકુટિ બિરાજે પરમ ઊદ્ધારક!
કર - કરણ, પાવક હે ગણપત!
તવ ચરણે સર્વ વાહક, કારણ!
વરે; અમીદ્રષ્ટિ હે વિઘ્નેશ્વર!
રિદ્ધી સિદ્ધી શુભ-લાભ કૃપામય!
સર્વ દેવાય શ્રેષ્ઠ, હે સુરપ્રિય,
તત્વ ઈષ્ટ બક્ષે મન-ઈન્દ્રિય!
દર આરંભ, અર્પણ હે એકદંત!
વર્ષોવર્ષ રક્ષો જણ-મન-તન!
ભાલચંદ્ર વક્રતુન્ડ હે લંબોદર!
મોદક મૂષક દુર્વા અતિપ્રિય!
નમન...નમન હે ગણનાયક!
'મોરલી' વંદે હે ગૌરીનંદન!
* સપ્ટેમ્બર ૧૬, ૨૦૧૫
વર્ષ ૨૦૧૪ ...
ૐ શ્રી ગણેશાય નમઃ
ઓ શ્રી ગણેશ! ઓ ગૌરીશિવ પુત્ર!
દિન આજ તમારો ઊજવે વિશ્વ…
વિનાયક, ગજાનન, ઓ વિઘ્નહર્તા!
બુદ્ધિ સંગ રિદ્ધિસિદ્ધિ બક્ષતા…
પૂજા, શિક્ષા, યજ્ઞ કે કોઈ કાજ,
આરંભે તમ સ્મરણ હોય સદાય…
મર્યાદા, વિઘ્ન, અડચણ, વિલંબ,
આજ ઓગળે સંગ ચતુર્થી-વિસર્જન...
ધરાવું આપને ચરણે મોદક ને મનન!
સ્વીકારો; પ્રસાદ ને ‘મોરલી’ નમન!
* ઓગસ્ટ ૨૮, ૨૦૧૪
No comments:
Post a Comment