સમૃદ્ધિની ધાર તીખી!
જો ખેંચી તાણી પોતીકી કીધી!
પણ નરી પરિશ્રમ પરિણામી
તો રમતી ઝૂમતી કાયમી સાથી...
સમૃદ્ધિની ટોચ તીણી!
જો રળ્યા વગરની પારકી ઉછીની
પણ પંડ નમનીય, પ્રતાપી
તો શીખમાં શોધે પ્રત્યેક સીડી...
સમૃદ્ધિની સ્થિતિ નબળી!
જો વૃદ્ધિમાં ન હો આધારી ભોગી
પણ સમજ, શાન, શ્રદ્ધા, લગની
તો વસે, વિકસાવે સ્થાયી શુદ્ધિ...
સમૃદ્ધિ, ન ફક્ત સંપત્તિ!
ઉદય ઓજસી બાહ્ય અંદરુની
પાર્થિવ, નૈસર્ગિક, જીવન, જીવની
સમગ્રે વસી સમગ્ર ઉજાળતી...
સમૃદ્ધિ સમૃદ્ધ છે એટલે જ તો સકળ અનંત છે.
એમાં વિસ્તરણ અને અંતઃઊર્ધ્વીકરણ શક્ય છે.
સમસ્તમાં સમસ્તનું પ્રસરણ અને ઘટન-વિઘટન સંભવી શકે છે.
સમૃદ્ધિ છે એટલે જ તો સર્જન પુનઃસર્જનની પ્રક્રિયા છે.
જન્મ મૃત્યુ છતાં જીવન નિરંતર છે.
કંઈક બધું કંઈક કેટલાય રૂપોમાં, સ્થિતિઓમાં, સંદર્ભોમાં પ્રગટ કે અપ્રગટ છે.
એક નહીં તો બીજા રૂપે, પ્રકારે જોડાયેલું છે. અનંતતાની કડી બની અવિરતપણે અસ્તિત્વમાં છે.
પંચતત્વોથી માડીને પ્રકૃતિ અને પ્રાસંગિક કે પદાર્થલક્ષી બધું જ મબલખ ને વિપુલ પ્રમાણમાં છે.
મનુષ્ય જીવનની શરૂઆતથી લઈને જીવનપર્યંત...દર તબક્કે અને તકે...સમૃદ્ધિ મુખર થાય છે.
વ્યવ અને વિનિમય પૂરતી દ્રવ્યસીમા ખુબ સીમિત અને સીમાંત આપતી વિચારધારા અને સલામતી છે.
સમૃદ્ધિ અકારણ માણવા તત્પર અંતરનાં અનુભવો અને અનુભૂતીમાં છે. એ સુધી પહોંચવાની લગની અને એની સતતતામાં ઊપસી આવે છે.
બધી જ સમૃદ્ધિ પ્રત્યક્ષ ન પણ હોઈ શકે. અપ્રસ્તુત સમૃદ્ધિ કંઈક હજારો રૂપે, સક્ષમ અને ટકાઉ હોય છે.
એવી સમૃદ્ધિને ધરતું અને સહેલાવતું હ્રદય પણ અનન્ય અને પ્રભુમય હોય છે.
સમગ્ર સમૃદ્ધ ત્યારે જ દેખાય જ્યારે સાનિધ્ય પણ સમૃદ્ધ હોય...એવું સાનિધ્ય ફક્ત પ્રભુસંગાથમાં, પ્રભુબાળ પ્રકારમાં માણી શકાય...
જય હો પ્રભુ...
સાદર...
- મોરલી પંડ્યા
નવેમ્બર, ૨૦૧૭
Flower Name: Cereus peruvianus
Cactus night flower, Hedge cactus
Significance: FortuneCactus night flower, Hedge cactus
Very attractive, but beware - it pricks!
No comments:
Post a Comment