નિશા વેરે આજ શ્વેત લ્હાણી
સોમ રેલાવે કૌમુદી ઊજળી
મા લક્ષ્મી આગમને તૈયારી
ઝળકે ઝળહળે પુલકિત શરદરાત્રી...
આભે વરસે શીતળતા રૂપેરી
ધરા માણે સૂચક સૌમ્ય છાંયડી
કુસુમ ઓઢે રુડી ધવલ પછેડી
ચોમેર ઉજવે સૃષ્ટિ પૂનમપ્રસાદી...
પધારો, આવકાર! મા ભગવતી!
હૈયે, કુણા ઉષ્ણ અવતરણ થકી
ભીંજવો રુગ્ણ રુક્ષ ઊણા તરસી
બક્ષો શાંત શાતા ચિરાયુ સમૃદ્ધિ...
શરદપૂર્ણિમાએ વંદન મા...
'મોરલી'
ઓક્ટોબર, ૨૦૧૮
શરદપૂનમની હાજરી ટાંકતા પ્રકાશિત અંશો...
અશ્વિન માહે, વર્ષા સત્ર વિદાયી
શરદ આરંભે, સોમ મહિમાની વારી
જન્મતિથી આજ મા લક્ષ્મી ભગવતી
પધાર્યા મા પુનઃ, શરદરાત ઊજાળી...
અંબરેથી ઊતરી અમૃતની પ્યાલી
ખોબે ખોબે ઝીલે શીતળતા પિપાસી
પીરસે ઠંડક, રૂપેરી નિર્મળ શાંતિ
પધાર્યા ચંદ્રદેવ, પૂર્ણપૂર્ણિમારાત્રિ...
શ્યામરંગી રાત્રિ અદ્ભૂત સોહામણી
રાસ રચે તારલા સંગ શશી તેજસ્વી
ધરા ધ્યાનમગ્ન ગ્રહે, નિશા મોજણી
પધાર્યા પૃથ્વીએ તત્ત્વ દેવ-દેવી…
વંદન...શશીતત્ત્વ!
જય હો...પ્રભુ!
સાદર...
* ઓક્ટોબર, ૨૦૧૭
આજ શરદપૂનમે વંદન, અહીં ચૈત્યહ્રદયથી...
એક જ છે મા છેડો તારો પૂર્ણપુર્તિ...
સર્વજગ તારે ચરણે ને તું જ જગ ધરતી...
અનુકંપા, હેત, વાત્સ્લ્યની તિજોરી,
લખલૂટ લૂંટો છતાં ભાવ તું ને તું જ છલકતી...
ફળદ્રુપ આકાશ ને છે ઊની માટી,
સ્પર્શો, શોષો, ચેતના તું ને તું જ પોષાતી...
અનાવૃત ક્યાં? સદા વરસતી ઊર્મિ,
ભીંજવે કણકણ, સ્ફૂરિત તું ને તું જ ઊગતી...
વિસ્તરણ અમાપ ને સ્થાયી સમસ્તિ,
ટહેલાય એટલું ઘૂમો, રક્ષક તું ને તું જ સહેલી...
હૈયે જવર રુડો તારો, માણે 'મોરલી',
નર્યો તારો, મા! માનવી યે તું ને તું જ ઈશ્વરી...
*ઓક્ટોબર, ૨૦૧૬
ચમકતી શરદરાત આવીપૂનમે, મહાલક્ષ્મી પધારી
ઝળહળ ઠંડક ધરપત ધારી
પ્રેરણારૂપ બનતી બલિહારી
... ચમકતી શરદરાત...
ગગન રૂપેરી ઓઢણી ઢાંકી
તારલાં સંગાથ રાસ માંડી
સોળેકળાએ સૃષ્ટિ ખીલવી
રાત્રિ જાણે દિન શરમાવતી
... ચમકતી શરદરાત...
ભીતર ચંન્દ્રનું ભાન કરાવી
શીતળતા ઊંડે શોષાવતી
ઊરસ્થિત સ્થિર શશી કેરી
રિદ્ધી 'મોરલી' કોઠે પચાવવી
... ચમકતી શરદરાત...
*ઓક્ટોબર, ૨૦૧૫
Flower Name: Nymphaea
Water lily
Significance: Integral Wealth of Mahalakshmi
Wealth in all domains and all activities, intellectual, psychological, material, in feeling and action.
Water lily
Significance: Integral Wealth of Mahalakshmi
Wealth in all domains and all activities, intellectual, psychological, material, in feeling and action.
No comments:
Post a Comment