મા,
તમો આ જીવ ને જીવધરી જીવનાર
તમો જ જિંદગી ને દર આપ-લે શ્વાસ.
તમો જ દર કારણ ને કારણ ઉર્જિત કાજ
તમો જ દર પરિણામ ને ફળનો હકદાર.
તમો જ પ્રવાહ ભાવ ને યોગ્ય અલગાવ
તમો જ મૂળ કેન્દ્ર ને કેન્દ્રિત આદાનપ્રદાન.
તમો જ કણકણ ઘડતર ને દેહ જે દ્રશ્યમાન
તમો જ એ સાબદુ તંત્ર ને ટકાવતો ધબકાર.
તમો જ રુપ દર સજીવ ને સંજીવની અસાધ
તમો જ સમસ્ત શક્તિ ને જીવાદોરી બ્રહ્માંડ.
અહો મા!
તમો જ ધન્ય અહીં ને ધન્યીનાં તમોને પ્રણામ
તમો જ નતમસ્તક ને બક્ષો દિવ્યઆયુ આશીર્વાદ.
જય મા... જય જય મા!
ॐ આનંદમયી ચૈતન્યમયી સત્યમયી પરમે.
ફેબ્રુઆરી, ૨૦૧૯
પૂર્વે પ્રકાશિત શ્રી માતાજીનાં જન્મદિનનાં અહોભાગપૂર્ણ વધામણાં ...
હે મા ... આભાર મા ...
તું છે તો આ લટારે છું
પૃથ્વી પર ચારપાયે છું
ભવોભવને સરવાળે છું
ચરણરજ ને મથાળે છું...
તું છે તો આ કિનારે છું
શ્વાસજગતનાં હવાલે છું
અંતઃસ્થ સતનાં પનારે છું
સમર્પણને ઉપકારે છું ...
તું છે તો આ ગણિતે છું
ગણતર વિનાના આંકડે છું
ખુલ્લી ધરામાં જીવસ્વ છું
પંચમહાભૂતનાં માંડવે છું ...
તું છે તો અંબર અંબારે છું
ખોળો તારો ને સૃષ્ટિધારક છું
આ વ્યક્તિ થકી ઊપાસક છું
ખૂણેખાંચરે ભગવતી સ્ફુટ છું ...
આભારી સદા તારી ...
જય હો!
સાદર...
*ફેબ્રુઆરી, ૨૦૧૮
આ તો, મા અને શ્રીની દોરવણી
હાથ-હથિયાર હેઠાં, એ જ તૈયારી...
'હું-મને-મારી' કયાં જવાબદારી
એવી-એટલી કયાં પહોંચ પાછી?
રોજ દિવાળી અને રોજ અષ્ટમી
માત સ્વરૂપોની દર્શન લ્હાણી...
એ માર્ગદર્શનની અચૂક પૂરવણી
એ દીવે ભરપૂર ઝગમગ રોશની...
હૈયે અણનમ ઊજળી સૂર્ય સવારી
અપૂર્વ ચક્રધર દોમદોમ સાહ્યબી...
અસ્તિત્વે શ્વસે રૂડી મા ચતુરરૂપી
'મોરલી', ચૈતન્ય-સત્ય-આનંદમયી...
*ફેબ્રુઆરી, ૨૦૧૭
હે મા,
આવીને બેઠી તું શીશ ઊર્ધ્વે,
ચતુર સ્વરુપ ને અદના રુપે!
ચતુર સ્વરુપ ને અદના રુપે!
દર્શન તારાં! ધન્ય ચક્ષુ બંન્ને,
ખોલું નયનો, તોય હોય તું સંગે!
ખોલું નયનો, તોય હોય તું સંગે!
કાલી, લક્ષ્મી, શારદાશ્વરી રુપે!
આ જીવ તુચ્છ, અમૂલખ જુવે!
આ જીવ તુચ્છ, અમૂલખ જુવે!
ચૈતન્ય ચિન્મય ચૈતસિક દિસે,
તેજ ધોધ ને પ્રવાહ પુષ્ટ એ!
તેજ ધોધ ને પ્રવાહ પુષ્ટ એ!
અવતરે શક્તિ આદ્યની ચારે,
ભેટ અમૂલ્ય, ઝીલાય દેહે!
ભેટ અમૂલ્ય, ઝીલાય દેહે!
થતી અભિમુખ બેઠેલી અંતરે,
અસ્તિત્વ સમગ્ર, મા...મા સ્ફૂરે!
અસ્તિત્વ સમગ્ર, મા...મા સ્ફૂરે!
અહો આ અનુસંધાન ને સંધાને,
શિશુ 'મોરલી' સંપૂર્ણ, તવ હ્રદયે!
શિશુ 'મોરલી' સંપૂર્ણ, તવ હ્રદયે!
*ફેબ્રુઆરી, ૨૦૧૬
ફરીયાદ નથી કોઈ તાક નથી,
હરતું ફરતું રમતું છે.
આ જીવન તારે ચરણે ધરી,
બસ! ખાલી અમસ્તુ શ્વસતું છે
હરતું ફરતું રમતું છે.
આ જીવન તારે ચરણે ધરી,
બસ! ખાલી અમસ્તુ શ્વસતું છે
ન ગૂંથવું કંઈ ન વાળવું કંઈ,
પોત મલમલી લીસું છે.
આ જીવન તારે ખોળે કરી,
બસ! પાલવમાં લપેટાયેલ શિશું છે
પોત મલમલી લીસું છે.
આ જીવન તારે ખોળે કરી,
બસ! પાલવમાં લપેટાયેલ શિશું છે
અવશેષ નથી કંઈ શેષ નથી,
અત્ર તત્ર સર્વત્ર છે.
આ જીવન તારે તેજે ભળી,
બસ! ભાનુ કિરણમાં ઊગતું છે.
અત્ર તત્ર સર્વત્ર છે.
આ જીવન તારે તેજે ભળી,
બસ! ભાનુ કિરણમાં ઊગતું છે.
તેં, ભરપૂર ભરી, અણુ કણુ દિપ્તી,
ચૈત્યતત્વ જ સર્વસ્વ છે.
‘મોરલી’ જીવન, તારે ઊંબરે ઝૂકી,
બસ! પ્રેમ ઓઢતું, ખીલતું છે.
બસ! પ્રેમ ઓઢતું, ખીલતું છે.
*ફેબ્રુઆરી ૨૧, ૨૦૧૫
કોઈ તારો હાથ કેમ છોડે?
કોઈ તારો માર્ગ કેમ મૂકે?
તું તો પક્વ આધ્યાત્મિક
અભીગમ ભણી જીવાડતી…
તું ન સંન્યાસ માગતી;
ન સંસાર ક્ષમ્ય ગણતી,
તું ન વ્રત-તપ કરાવતી;
ન સુખ-સાહેબીમાં સંતોષાવતી,
તું તો મન-હ્રદયમાં
સમતા-મમતા ભરી જીવાડતી…
તું ન પોકળ કહેવાતી-
ધાર્મિક માન્યતાઓમાં રચાવતી;
ન પાપ-પુણ્યના; વગર આચરણના,
માનસિક હિસાબો રખાવતી
તું તો વ્યક્તિસ્વરૂપમાં ધરબાયેલ
દિવ્ય-અંશને પ્રમુખ કરી જીવાડતી…
મા! તારી અકળ-અદમ્ય કૃપા
કેવી તો સમૃદ્ધ, સબળ, સશક્ત કે
ભલભલા કટ્ટર મનોવલણો
ને કઠોર ભાવવિહીનતાને
તું નર્મળ, મૃદું, સંવાહક બનાવી,
સ્મરણ-સમર્પણના આચરણમાં જીવાડતી…
આ દિન મનાવે જે તારો આજે ,
એને તું તો જન્મોજન્મ પર્વ-પવિત્ર જીવાડતી
મા! તું તો કરુણામયી! ‘મોરલી’ના
કોટી કોટી વંદન સ્વીકારતી ને જીવાડતી!
અહોભાગ્ય મા!
*ફેબ્રુઆરી, ૨૦૧૪
ફોટા: સમાધિ શૃંગાર
શ્રી માતૃભવન, સ્વસ્તિક સોસાયટી, અમદાવાદ
No comments:
Post a Comment