Wednesday, 30 May 2018

નીરવતા એટલે, ...


નીરવતા એટલે,
ઊચ્ચારણ શાંત, 
ઉદગાર શાંત, 
ભીતરનો સંવાદ શાંત.

નીરવતા એટલે,
દીર્ઘ વાર્તાલાપ શાંત,
વ્યર્થ શબ્દસંચાર શાંત,
મૌનનો ભારપ્રભાવ શાંત. 

નીરવતા એટલે,
પક્ષ પ્રમાણ શાંત,
દ્વિપક્ષી ભેદભાવ શાંત,
નિષ્પક્ષ સમત્વ સ્થિર શાંત.

નીરવતા એટલે,
પ્રતિભાવનો સળવળાટ શાંત,
સ્વીકાર પ્રતિકાર શાંત,
સર્જક શાંતિ, સરળ શાંત.

નીરવતામાં બસ! ॐકાર...
પ્રભો...પ્રભો...

આભાર...

- મોરલી પંડ્યા 
મે, ૨૦૧૮


મૌન અને નીરવતા કયાંથી એક સમાન?
જોજનો દૂર, જુદા; સ્ત્રોત ને સ્તરો સભાન.

એક રીતિ બીજું સિદ્ધિ. ન કોઈ મેળમેળાપ
એક સાંધો બીજું સંધાન. ક્યાં તુલના માપ?

એક તો મન-પકડ, 'ચૂપ' જ ફક્ત ઈલાજ
દબાણવશ, ન બોલાય - માં જ આન-ભાન.

બીજું નીરવ ઠરેલ ચિત્ત, રહે સહજ ધ્યાન
શાંતિ સંગત, સત્ય સ્ફૂરણનો વાક પ્રવાહ.

મૌનથી આરંભ, નીરવતા 'મોરલી', અંતિમ સ્થાન
જોડતોડ નહીં અસ્તિત્વ અવસ્થા. એ જ સાચું પ્રમાણ.


મૌન,
ફક્ત ક્રિયાનો અભાવ છે,
ઊચ્ચારણની ગેરહાજરી છે.
અવાજ વગરની નોંધ છે.
ચૂપ્પીમાં પ્રસ્તુતિ છે.
વગર શબ્દે સંભળાય છે.
કશુંક સૂચવાતું હોય છે.
મૂક સ્થિતિમાં જાહેરાત છે.
અર્થઘટનનો શોર છે.
ક્યારેક વિરોધનું પ્રવચન છે.
ચૂપકીદીનાં આંચળામાં રક્ષણ છે.
કદાચ કટાક્ષનો કોલાહલ પણ...

નીરવતા,
નિતાંત અવસ્થા છે.
મેળવેલી જણેલી પ્રાપ્તિ છે.
કશુંક ફક્ત અંદર ન નહીં બહાર રેલાય છે.
સમાઈને ઠરેલું છે.
આંતર-બાહ્ય અ-વાંક સ્થિતિ છે.
અ-શબ્દ નહીં, સપ્રમાણ શબ્દ છે.
જરૂરે, સ્ફૂરણ છે.
ઊચ્ચારણની મૂળ ભૂમિ છે.
સાહજિક શાંતિનો સહવાસ છે.
ધરપતમાં બંધાયેલી છે.
અધ્યાત્મની કૂંચી છે.
સિદ્ધિ સૂચવે છે.
નિશ્ચિત આત્મ દોરવણી પણ...
*એપ્રિલ, ૨૦૧૭



નીરવતા જ્યારે વાક ધરે
અંતર્જ્ઞાન સ્ફૂરણા બને
સત્યવચનો હૈયે ઊગે
નમનીય બુદ્ધિ અનુસરે...

નીરવતા જ્યારે સ્વીકાર પામે
દિવ્યશાંતિ દેહે શ્વસે
આધાર પ્રભુકાર્ય આરંભે
ગ્રહણશીલ અસ્તિત્વ બને...

નીરવતા જ્યારે સક્રિય બને
પ્રતિભાવ મૂક ઓગળે
વલણ નીરવ નિશ્ચલ વહે
સ્વરૂપ ચૈત્યે આરૂઢ રહે...

નીરવતા જ્યારે જીવન ઓઢે
સ્પર્શ્યું સઘળું સ્થિર સ્થાપે
રૂપ સર્વે, મૂળમાં પેલટે
'મોરલી' દિવ્યસંધાન કાયમી મૂકે...


નીરવતા એટલે,
ઠાલુ મૌન નહીં.
અશબ્દી સંવાદ નહીં.
વણબોલ્યો ઘોંઘાટ નહીં.
સાંકેતિક, પર્યાય નહીં.
શુષ્ક વિરોધ નહીં.

નીરવતા એટલે,
નિઃશબ્દ ઊપસ્થિતિ...
વાકની અગ્રીમ સ્થિતિ...
સમૂચય વ્યક્તવ્ય ગણની મૂળ સ્થિતિ...
આંતરિક અને બાહ્ય નિરવ અનુભૂતિ...
ઊચ્ચારની કેન્દ્ર સ્થિતિ...

નીરવતા એટલે,
શાંતિની બાંહેધરી...
સ્વસ્થતાની કડી...
સમતાની દોરવણી...
સ્વીકારની પૃષ્ઠભૂમિ...
સંવાદિતાને ઘડતી...

પૂર્ણયોગનો આધ્યાત્મ કહે છે કે અભીપ્સા એ નીસરણી છે. આધ્યાત્મનાં દરેક જરૂરી પગથિયાં ચડાવતી અને અજાણમાં વપરાયેલાં બિનજરૂરીને ઊતરાવતી...

નીરવતા આત્મસ્થિત થવી, એ અભિપ્સુ અસ્તિત્વને પરમચેતનાનો જવાબ છે. નીરવતા નથી તો શાંતિ નથી ને તો સાધકની આધાર બનવાની શરૂઆત નથી.
પ્રાથમિક પગલું નીરવ શાંતિમાં સમાયેલું છે.
અહીં નીરવ થવું એટલે નિષ્ક્રિય, શૂષ્ક કે નીરસતાની સ્થિતિ નથી.

આ નીરવતા,
વિસંવાદી પણ સંવાદિત છે.
સક્રિય અને સભર છે.
જ્ઞાન અને સ્ફૂરણા ખેંચી લાવતી છે.
નવીન સ્તરોનો પ્રવાસ કરાવતી છે.
નાવીન્યમાં આસ્થા અને બળ દેતી છે.
વિનમ્રતામાં ઊજળતી છે.
નમનીયતા, અહોભાવને ઓઢીને બેઠેલી છે.
કૃપાબક્ષી છે એટલે સ્થાપિત થયા પછી સ્થિત રહે છે.
કશુંય યોગ્ય ચૂકી જવાતું નથી કે કશુંય અયોગ્ય સંગ્રહ થતું નથી.
એ પ્રકારની સ્વચ્છતા એની તકેદારી છે અને ભૂમિકા પણ...

નીરવ નીરવતામાં શુભ સવાર...
*ડિસેમ્બર, ૨૦૧૬



નીરવતાનાં સાદ,
મા! તું જ સંભળાવી શકે.
વણઉચ્ચાર્યાં વેણ કર્ણોને
તું જ પીવડાવી શકે...નીરવતાનાં સાદ…

ઊરેથી ઊઠતાં વિધાન
તું જ ગવડાવી શકે.
શૂન્ય મસ્તિષ્કને એથી
તું જ ઊભરાવી શકે...નીરવતાનાં સાદ…

અસ્તિત્વ રિક્તતાથી  
તું જ આખું ભરી શકે.
કણે કણે મધુર રિક્તગાન
તું જ રેલાવી શકે...નીરવતાનાં સાદ…

સ્વરૂપ ચૈતન્ય સમેટતું
તું જ ઊધ્ધારી શકે.
કરણ અને સાધન સુમેળ
તું જ લયબદ્ધ કરી શકે...નીરવતાનાં સાદ…

'મોરલી' અદ્ભૂત જીવનસૂર
તું જ વહાવી શકે.
નીરવ... નીરવ નીરવતા
મા! તું જ જીવાડી શકે...નીરવતાનાં સાદ…

*મે ૩૦, ૨૦૧૫



Silence is the condition of the being when it listens to the Divine.
In silence lies the greatest receptivity. And in an immobile silence the vastest action is done. Let us learn to be silent so that the Lord may make use of us.
With words one can at times understand, but only in silence one knows. TM

This power of silence is a capacity and not an incapacity, a power and not a weakness. It is a profound and pregnant stillness. Only when the mind is thus entirely still, like clear, motionless and level water, in a perfect purity and peace of the whole being and the soul transcends thought, can the Self which exceeds and originates all activities and becomings, the Silence from which all words are born, the Absolute of which all relativities are partial reflections manifest itself in the pure essence of our being. In a complete silence only is the Silence heard; in a pure peace only is its Being revealed. Therefore to us the name of That is the Silence and the Peace. SA
Flower Name: Passiflora Incarnata X cincinnata 'Incense'
Passion flower
Significance: Silence
The ideal condition for progress.

No comments:

Post a Comment