Wednesday, 7 November 2018

નવ વર્ષે વરસાવ અમૂલખ ...


આવી કારતકી સુદની સવારી નવી સંવત લાવી
નવીન ચક્ર, નવીન સામગ્રી, નવીન સમાપ્તિ 
વળી આવશે પાછી સમયાંતરે નવી વર્ષની વારી...

સૃષ્ટિ માણે હર પળ નવીન ગોઠવણી, નવીન પ્રસાદી
દરેક ક્ષણ, કણ, કોષને ભાગે આયુવત્ નવીન સરણી
એ પ્રત્યેક માણે સતત, પ્રામાણિક સહજ અલ્પજીવની ...

બ્રહ્માંડ ધરે ઉત્સવ, થકી દર નવીન સૃજન ઘડી
સંપૂર્ણ સમસ્ત નવ સંવત સમ ને પળેપળ સુદિપ્ત
તો આજ ઉજવણી એ ઉજવણીની ને થકી વર્ષ નવીન...

હે મા ચતુર્રૂપ અદિતિ!
આજ નવ વર્ષે વરસાવ અમૂલખ કૃપાનિધિ...

અર્પણ તવ ચરણે મા...
આ વિક્રમસંવત ૨૦૭પ...

નવેમ્બર, ૨૦૧૮



ગત વર્ષોનાં નૂતનવર્ષાભિનંદનમાંથી


કારતકી એકમે નવીન વર્ષ આરંભ
શુભ હો, મંગળ હો આ સાલ મુબારક...

સદીઓથી સંવત લાવે નવસંવત
નવ ઊર્જામય હો આ સાલ મુબારક...

બ્રહ્માંડ મધ્યે છૂપો થવા ઊજાગર
નવ આવિર્ભાવ! આ સાલ મુબારક...

સંકુચિત કેન્દ્રિત ચણતરને પડકારક
નવ વાહક-વાહન હો આ સાલ મુબારક...

ઓગળે ક્ષિતિજ ઘડતર સીમિત બાધક
નવ આયામ હો આ સાલ મુબારક...

સમુદાય સમુચય સંવાદિત પ્રવર્તક
નવ સમાસમય હો આ સાલ મુબારક...

દિવ્યત્વ-મનુયત્ન એકમેક અવલંબન
નવ ઊપાસક હો આ સાલ મુબારક…


નૂતનવર્ષાભિનંદન!

વિક્રમસંવત ૨૦૭૪...

નવ પરોઢે તાજી તાજી સંવેદના...
મનુષ્યજીવનને પર્વ પ્રસંગોથી ભરતી આ વ્યવસ્થાને સલામ!

આંતર-બાહ્ય ઉર્જાને સુવિદિત અને યોજનામાં મૂકતી આ ગોઠવણ જીવનને નવીન ઊત્સાહ, ઊજવણીમાં રત કરે છે ને મનુષ્ય પાછો નાનાં મોટાં આશબિંદુઓને તરણું બનાવી તરે ને જીવનને સમયોમાંથી તારે છે.

જય હો...પ્રભુ!

સાદર...

* ઓક્ટોબર, ૨૦૧૭


ઉદય દેશે, ઝળહળ ઉગશે,
ભાવિ ઊજ્જવળ વેષે,
સૂર્યકિરણ ને સૂર્ય તેજને
માનવી એકેએક ધરશે...

ચૈત્ય મુકુટ ચિત્ત માથે,
દિવ્યહાજરી ઊર મધ્યે,
અસ્તિત્વ સમગ્ર પ્રકાશશે,
આત્મજ્યોતને રસ્તે...

જ્યાતિર્મયી ઊદર દેશે,
પ્રકાશ પુંજ જનમશે,
સૂર્યજાત 'મોરલી' માનવમયી,
પૃથ્વીને ભેટ મળશે...

આજ,
વિક્રમસંવત ૨૦૭૩,
કારતક સુદ એકમ,
એટલે ગુજરાતી બેસતું વર્ષ...

નવાં વર્ષની શરૂઆતે, ઊગતા ભવિષ્યને આવકાર...
પશુ-પ્રકૃતિમાંથી નીકળી પ્રભુસર્જને માનવ-પ્રકૃતિમાં પ્રગતિ મૂકી...  વૃત્તિપ્રવૃતિમાંથી મન દોરવણીમાં માનવજાતની ગતિવિધી આવી...

મનુષ્યે માની લીધી,  અધવચની વ્યવસ્થાને સ્થાયી...
એ પણ તો મનની જ દોરવણી!

પણ ઊત્ક્રાંતિની સફર ક્યાં અટકી?  પ્રભુનો માનવ અને એનું નિર્માણ તો એણે સત્યસ્વરૂપ તરીકે ઘડ્યું હતું. સતવીરોની ભૂમિ એ પ્રભુની પ્રકૃતિ હતી.

હજી એક મકામ બાકી...
નવો આયામ, દિવ્યતાનો માનવ આધાર...

પછી,
પ્રભુ જ પ્રભુ...
સર્જન એ જ સર્જક...
સ્ત્રોત એ જ ધારક...
ગ્રાહ્ય એ જ ગ્રાહક...

સૂર્ય કાંતિમાં ઊપજતો માનવ,
આંતર સૂર્ય શક્તિને આધારે પોતે જ પ્રકાશ થઈ પ્રકાશમાં ભળતો...

પછી ક્યાં કોઈ,
પરિઘ કે સીમા...
વર્તુળ કે પડાવ...
સ્તર કે સ્થાન...

દિવ્યમાનવતા અને માનવદિવ્યતા બંને અરસપરસ અને અન્યોન્ય...
સાથોસાથ અને સાંગોપાંગ...
કોઈ છેડો કે અંત નહીં પણ બંને એકબીજામાં ભળી જાય...
વહેતું વહેણ જાણે...

પૃથ્વીજીવન અને સત્ય, શાંતિ, સૌંદર્ય, આનંદ, પ્રકાશ સભર દિવ્ય ચેતના વચ્ચે પસંદગી નહીં પણ બંને સહીયારું શક્ય...

વ્યક્તિએ વ્યક્તિએ હાથવગું... જીવાતું...
સાતત્ય ભરેલું...
અંદર, બહાર... સૂર્ય...સૂર્ય...

"ઊગતો, બસ! ઊગતો, ન આથમતો આ સૂર્ય!
પ્રકાશથી ઊર્ધ્વપ્રકાશનો પથ દર્શક આ સૂર્ય!" (મે ૯, ૨૦૧૪)

સમસ્તમાં ઊછરતું અસ્તિત્વ અને
અસ્તિત્વમાં જીવતું સમસ્ત...

સાલ મુબારક...

* ઓક્ટોબર, ૨૦૧૬


નવી સંવત, લાવી રંગત!
નવી હવા ભરી પળપળ...

નવી નવેસર, એ જ સંગત!
માણો ફરી, આવી પળપળ...

નવી દિશા, એ જ ધગશ!
ખોલો ધરી, ફરી પળપળ...

નવી હકીકત, એ જ સ્વપન!
ખૂંદી વળો, દર પળપળ...

નવી અગન, એ જ તડપ!
સર્જો વિશેષ બસ! પળપળ...

નવી આભા, એ જ જીગર!
ખોલો ચિન્મય ખૂંપી પળપળ...

નવી ચેતના, એ જ ભીતર!
પ્રકાશો 'મોરલી' મળી પળપળ...

* નવેમ્બર, ૨૦૧૫



સર્વે જીવન, આમ જ ખુશી ખુશી વીતે…
જીવાતી પળ પળ, આનંદમય વીતે…

સર્વે જીવન, સમૃદ્ધ સુગંધિત વીતે…
ઉત્સાહભર, ક્ષણોમાં જીવંત વીતે…

સર્વે જીવન, સમૂહમાં ઊજવાતું વીતે…
ઉલ્લાસ, ઉત્સવનાં, સથવારે વીતે…

સર્વે જીવન, સાચુકલાં હાસ્યમાં વીતે…
પર્વ, હરઘડી હ્રદયનો, છલકાતો વીતે…

સર્વે જીવન, ખુલતી શક્યતામાં વીતે…
વીતી પળ શુભ મંગળ-નાં સંતોષમાં વીતે…

સર્વે જીવન અવસર, પવિત્ર વીતે…
‘મોરલી’ દિન એક એક, સપરમો વીતે…


* ઓક્ટોબર ૨૯, ૨૦૧૪



Flower Name: Hibiscus rosa-sinensis
Chinese hibiscus, Hawaiian hibiscus, Rose-of-China
Significance: Blossoming of the New Creation
The more we concentrate on the goal, the more it blossoms forth and becomes precise.

No comments:

Post a Comment