Monday, 5 March 2018

દિશા પકડી ચાલજે...


ઉબડખાબડ ભલે રસ્તા
તું પગ સંભાળીને પાડજે
પગથીનાં નથી કોઈ પગેરા
તું તારી દિશા પકડી ચાલજે...

અણગમતા ભલેને કહેણા
તું કર્ણને મીઠા સંભાળવજે 
આંટીઘૂંટીમાં મરડાયેલ વેણા
તું વિશ્લેષક સમજીને વારજે...

માનવજીવને ગૂથ્યાં આટાપાટા 
તું લક્ષમાં ગરકાવ માણજે
કર્તવ્ય અને જવાબદારી લેખાં 
તું દિવ્યહસ્તને સમર્પી છોડાવજે...

આ જ લેણદેણ ને આમ જ વારા
તુજ થકી હવે, વિદિત રાખજે
અડગ ભૂમિ ને અસીમ આભ સીમા
તુજ ભાગ નિશ્ચલ રહી પતાવજે...


જિંદગી હાથમાં છે અને જીવાઈ રહી છે...
જીવાશે જ! જ્યાં સુધી પતવાની નથી...

પછી રહે છે કેમ, કેવી રીતે જીવવી!

બધું જ છે...
અઘરું, 
અટપટું, 
આકરું, 
ઓછું, 
અધુરૂં, ... 
અને છતાંય પાછું જીવન તો હજી ય ચાલું જ હોય છે. 

શ્વાસ ચાલે છે, 
ત્યાં સુધી,
ગુણવત્તાનાં ગુણગાન છે. 
શક્યતાઓ સીમાડાને વીંધી શકશે.
ક્ષમતાઓ આભ ઊતારી શકશે ને ડુંગરા ખોદી શકશે.
કશુંક મૂકીને જવાનો અવકાશ બની રહેશે.
કશુંક મેળવીને વધવાનો મોકો મળી રહેશે.

શેમાં રહેવું અને એનું શું મહત્વ હોવું એ તો જેની પાસે એ આવ્યું હોય એ જ સમજી શકે...

પછી ટકાવવાનું નથી હોતું...પણ કર્યે જવાનું હોય છે...

પ્રક્રિયામાં જ પરિણામ દેખાતું અને ઘડાતું રહે છે.

આનંદ, સંકલ્પ કરવામાં કરતાં સંકલ્પ જીવવામાં રહેલો છે...

જય હો...

સાદર ...

- મોરલી પંડ્યા
માર્ચ, ૨૦૧૮



Flower Name: Kopsia fruiticosa
Shrub vinca
Significance: Determination
Knows what it wants and does it.

No comments:

Post a Comment