તારાં
પ્રકાશનાં અજવાળાંમાં, આ આંખ ભૂલે
શ્યામ શું છે!
હવે તો શ્યામસુંદર સિવાય 
ક્યાં કોઈ અશ્વેતને નિરખ્યાનું યાદ છે…
તારી જ્ઞાનસરવાણીમાં, આ કાન
ભૂલે અસાર શું છે!
હવે તો મુરલીધરનાં મધુર બંસીનાદ સિવાય 
ક્યાં કોઈ સૂર-સારના શ્રવણનું ધ્યાન છે…
તારાં અસીમ શાંતિ ધોધમાં, આ જાત
ભૂલે બેચેન ટપકતી ધાર શું છે!
હવે તો સર્વવ્યાપી પૂર્ણપુરુષોત્તમ
સિવાય 
ક્યાં કોઈ પ્રભાવ-ભાવમાં સ્નાન લેવાનું સ્થાન છે…
તારી કૃપા પ્રસાદી શિરોધાર્ય!  ને આ અસ્તિત્વ
ભૂલે સ્વભાન શું છે!
હવે તો શ્રીકૃષ્ણનાં વહાલ-ચરણ-શરણ
સિવાય 
ક્યાં સમજાતું કોઈ સર્વોચ્ચ સન્માન છે… 
‘મોરલી’ નતમસ્તક! 
વાસુદેવસખા! આ તો જન્મોજનમનો,
બહુમાન ભર્યો સંગ-આધાર છે…
-        
મોરલી પંડ્યા 
મે ૧, ૨૦૧૪
No comments:
Post a Comment