ક્યારેક તો માણસને માણસ જુઓ!
સબડતાં લિંગભેદમાં જોખ્યાં કરતાં
જઈ સ્ત્રીપુરુષનાં ચોખટાંની પેલે પાર,
નર્યાં ચમકતાં માનવપ્રમાણમાં તો જુઓ..
... ક્યારેક તો માણસને ...
ક્યારેક તો એનાં હોવામાં તથ્ય જુઓ!
રીબાતાં કારણોમાં ચોંટાડ્યાં કરતાં
તોડી આટાપાટા ને એની આરપાર,
જડ્યાં હીરાંમાણેક શાં ઊરઆત્મા તો જુઓ..
...ક્યારેક તો માણસને...
ક્યારેક તો મર્યાદાઓ ઓળંગી જુઓ!
માંદી માન્યતાઓમાં લપેટ્યાં કરતાં
ભૂસી ચીંથરેહાલ મંતવ્યો, અપાર,
નવાં લીંપણથી એની યોગ્યતા પોતી તો જુઓ...
...ક્યારેક તો માણસને...
ક્યારેક તો માણસ થઈ માણસ જુઓ!
સ્વ; ભાવ, ભાન, સાનમાં જકડાયાં કરતાં
સ્વીકારી સિમીત વૃત્તિ પુરાણી કરી પાર,
નવેસરથી નવીન દ્રષ્ટિ અપનાવી તો જુઓ...
...ક્યારેક તો માણસને...
'મોરલી' વંદન...આભાર પ્રભુ...
- મોરલી પંડ્યા
સપ્ટેમ્બર ૧, ૨૦૧૫
No comments:
Post a Comment