સ્વીકારજો પણ મંજૂરી ના આપશો!
સમય પેચીદો થાય, જરૂર વગર ગૂંચાય
તો ના પડકાર, ના સંમતિ આપજો!
... સ્વીકારજો પણ મંજૂરી ના આપશો!...
ફરજ પૂરી પાડજો પણ હક ના નકારશો!
સંબંધ મૂંઝવતો થાય, ચૂક વગર જોખાય
તો ના ફરિયાદ, ના ભૂલ માનશો!
... સ્વીકારજો પણ મંજૂરી ના આપશો!...
સહકાર આપજો પણ રખેને સાંખજો!
માંગણી વણગમતી, અજમાવાય
તો મૂંગાં રહી, સત્ય અંદર તરતું રાખજો!
...સ્વીકારજો પણ મંજૂરી ના આપશો!...
ક્રિયામાં સ્થિતપ્રજ્ઞતા ના ચૂકશો!
હાજરી નોંધાય, ભાગીદારી ઊધરાય
તો ના પ્રયત્ન, ના પક્ષ મૂકજો!
...સ્વીકારજો પણ મંજૂરી ના આપશો!...
ફરજ, વિવેક, જવાબદારી ના છોડશો!
સંબંધ છે ત્યાં સુધી ભલે ચૂંકાય, ચૂંથાય
તો ના સ્થિરતા ના અનપેક્ષા ભૂલજો!
...સ્વીકારજો પણ મંજૂરી ના આપશો!...
આભાર ના ભૂલશો 'મોરલી',
સ્વીકારજો પણ મંજૂરી ના આપશો!...
- મોરલી પંડ્યા
સપ્ટેમ્બર ૧૦ , ૨૦૧૫
No comments:
Post a Comment