Friday, 18 September 2015

ઊગતી મુક્તિનાં...


ઊગતી મુક્તિનાં સૂરસુગંધને જાણું છું.
ભીતરથી વેગવંત હળવાશને માણું છું.

હવા કાપતી ઊંચેરી ઊડાનને જાણું છું
એ પાંખોનાં પીંછાની તાકતને માણું છું.

ધરતીનાં ચોસલાંનાં સ્પર્શને જાણું છું.
એ પડાવથી ઊઠતી લયસફરને માણું છું.

ભીની તાજી મલમલી વાદળી જાણું છું.
એની રૂપેરી ચમકારબદ્ધ ગતિને માણું છું.

સોનેરી કિરણોનાં દરેક પડકારને જાણું છું.
ત્યાં વધું ઊંચે ઝળહળતાં સૂર્યને માણું છું.

માનવ ખોળિયે બંધ સમસ્તને જાણું છું.
એ સર્વસ્વનાં આતમ સંધાનને માણું છું.

સમયે જીવાતાં ભિન્ન સ્વરૂપોને જાણું છું.
એ સમાંતરે તટસ્થ સર્વ-રૂપને માણું છું.

પ્રભુનાં કરુણામય ચૈતન્યપટને જાણું છું.
કૃપામાં ઊપસતાં 'મોરલી' વિશ્વને માણું છું.

- મોરલી પંડ્યા
સપ્ટેમ્બર ૧૮, ૨૦૧૫

No comments:

Post a Comment