Monday, 20 July 2015

ચૈત્યપુરુષ જ્યારે...


ચૈત્યપુરુષ જ્યારે સમગ્ર લઈ ચાલે,
તસુ યે ન ઊણું રાખે, સ્વરુપને જગાડે.

અંધકાર બળો સ્થૂળને લપેટવા આવે,
સાબદુ તંત્ર કરાવે સજાગ બળે ભગાવે.

જરા અમથું વિપરીત દુરથી ચમકાવે,
અવિચલીત રાખી નરી આંખે બતાવે.

સૂકી-રણ લાગણીને વળતી ગતિ આપે,
ઊષ્માભર્યું સંવેદન સતત જીવતું રાખે.

ભમતા નિષ્ઠોર મન વલણો અટકાવે,
લચીલાં અભિગમોમાં પળમાં ઓગાળે.

બાહ્ય મૂર્ત પ્રભાવોને સમતામાં મૂકાવે,
હ્રદયભરી દિવ્ય હાજરીનું દર્પણ બનાવે.

કરુણા પ્રવાહમાં બધું જ વંદનમાં વહાવે,
'મોરલી' કૃતજ્ઞતા, સૌંદર્ય, આનંદ જ જીવાડે.

- મોરલી પંડ્યા
જુલાઈ ૨૦, ૨૦૧૫

No comments:

Post a Comment