વ્યક્તવ્ય...
અભિવ્યક્ત થયેલું - જ્યારે કશુંક ગદ્ય, પદ્ય, પદ્યાપદ્ય કે એને પણ અતિક્રમીને કહેવાયું હોય. સ્વતઃ ગોઠવાયું હોય, એમાં પ્રત્યક્ષ, પરોક્ષ, સાપેક્ષ, નિરપેક્ષ બધાયનો સંદર્ભ હોય.
જ્યારે વ્યક્તિઓ સામસામે ન હોય ત્યારે હાવભાવ, અંગભંગિમાઓ, સ્થળ અને સમયની અસરોનાં અભાવે, શબ્દો જ માધ્યમ બની રહે, છતાં પણ એમાં એ માધ્યમને પણ મર્યાદિત લગાડવાની ક્ષમતા હોય. વ્યક્ત કરનારને તો એ એટલી ન અનુભવાય પણ વાંચનાર જ્યારે એને ફક્ત શબ્દોની જ સમજમાં સમજે તો જરૂર પછી, સમજાય એટલું જ ઝીલી શકે. ઝીલવું એ સુંદર ક્રિયા છે. જેટલું પોત પહોળું થઈ શકે એટલું જ ઝીલી શકાય.
અહીં બાધિત, શબ્દરચના ન હોય પણ એને વાંચનારની સમજમાં અનુભવની પૃષ્ઠભૂની સીમા હોઈ શકે. ઘણીવાર શબ્દો સમજાઈ જાય પણ એના સંદર્ભ-સમજ માટે કંઈક જુદા જ માપદંડની જરૂર જણાય. ભાષાનું ઉચ્ચતમ જ્ઞાન પણ ક્યારેક બંધક બનાવે. એવી જ રીતે જો અનુભવોની અપક્વતા હોય તો શબ્દો ઠાલાં લાગે. બુદ્ધિ ભાષાંતર અને પર્યાયો શોધી, ખૂંદીને ક્યાસ કાઢવા પ્રયાસ કરે અને કોઈક આધાર નક્કી કરીને નિષ્કર્ષ આપી શકે.
આધ્યાત્મિક લખાણમાં બે શક્યતાઓ મહત્વની બને. બેમાંથી એક પકડીને પણ પૂરવણી કરી શકાય. એક અનુભૂતિ આધારિત સમજ અને બીજી શ્રદ્ધા દ્વારા. પહેલાંમાં વાંચતાંની સાથે આંતરિક મંજૂરી મળતી જાય, શબ્દો સંપર્ક બની જાય, ખરા અર્થમાં માધ્યમ બને અને ઝીલનારને અંગત અનુભવની યાદ અપાવી જાય. આ અનુભવ વાસ્તવિક અથવા સમજ-અણસમજનો હોઈ શકે. બીજામાં વાંચનાર હજી ઝીલવાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો હોય પણ એ શબ્દો સુધી એક મંજૂરી સાથે પહોંચ્યો હોય, આંતરિક જરૂર અહીં સુધી ખેંચી લાવી હોય અને અંતરમાંથી એક સાંત્વન આવતું હોય, જ્યારે જ્યારે એ સાહિત્ય વાંચવામાં આવે. તેટલી તેટલી વાર એક ટેકો મજબૂત થતો જાય. દ્રઢતા સાથે વિશ્વાસ આવતાં જાય અને અજાણતાંમાં જ શ્રદ્ધા આવીને બેસી જતી હોય.
આ બંને પ્રક્રિયામાં ઝીલનાર શબ્દ-સંદર્ભમાંથી નીકળીને મર્મપ્રદેશમાં પહોંચી જતો હોય છે. એ બને છે પછી અનુભૂતિની પૂરવણી કે ભવિષ્યમાં આવનારનો આધાર. એની તૈયારી રૂપે કલ્પન ઘડાતું હોય. બુદ્ધિથી મન દ્વારા આગળ વધીને હ્રદયમાં એનું ઘડતર થાય અને આંતર મંજૂરી સાથે વ્યક્તિત્વ એને માટે અથવા આગળની ગતિ-અનુભૂતિ માટે તૈયાર થાય.
વ્યક્તવ્યો કોઈ ચોકઠાંમાં પૂરાઈ ન શકે કે ગોઠવવા માટે પણ નથી હોતાં. એમને જે તે ઝીલનારનાં પરિઘમાં બેસવાનું હોય છે અને જે તે ગોળાર્ધને બહોળો ને વિસ્તૃત કરવાનો હોય છે. એટલે જ... વ્યાખ્યામાં બધાંયને પૂર્યાં કરતાં કેન્દ્રને પોષણ આપવું, વ્યક્તવ્ય ગમેતે હોય...
પ્રણામ...પ્રભુ...
- મોરલી પંડ્યા
જુલાઈ, ૨૦૧૬
Flower Name: Linaria maroccana (Toadflax, Spurred snapdragon)
Significance: Expressive Silence
Certain silences are revealing and more expressive than words.
Significance: Expressive Silence
Certain silences are revealing and more expressive than words.
No comments:
Post a Comment