Wednesday, 18 October 2017

... દિપાવલીએ નમ્ય અભ્યર્થના ...


યુગે યુગે તિમિર ફૂંકે રણશીંગા
તેજ ધરે વિજયકૂચ સમગ્રતયા...

અહમી અસૂર રાવણ કે નરકા
શ્રી કે શક્તિ, દૈવત્વ ધરે મહાકાળા...

જય-પરાજય અંતે અહં ગાથા
દ્વિપક્ષ, પક્ષપાત શક્ય સંભાવના

વિદીત છે એ યુદ્ધ વિચારધારા
સકાર-નકારની ચૂંટણી ને જીતકારા

આજ દિપાવલીએ નમ્ય અભ્યર્થના 
બ્રહ્માંડ સમક્ષ વંદન સહિત યાચના!

નિર્મૂળ હજો સદંતર મનોપ્રાણિક વિકારા
સઘળાં સંહારક અંતઃકરણ આતમછેટા!

દીપ પ્રગટાવે હૈયે આજ સત્ય પારણાં 
સંચાલક સર્વસ્વમાં રહો પ્રેમ સંવાદિતા...


પૂર્વે પ્રકાશિત પ્રકાશધારામાંથી...

આજ અમાવસ્યાને તું સજાવે,
દીપે દીપે સૂર્યશક્તિ પ્રગટાવે.

દિવાળી  તિમીરને વધાવે,
દિન દીપજ્યોતે તું જ ઊજાળે.

ઉત્સવ, અંધરાત્રિનો ઊજવાવે,
તેજપુંજ ધરી તું જ શણગારે.

તારો જ પ્રતાપ, દિવ્ય પ્રકાશે,
મા, શ્વાસે શ્વાસે આશ જગાવે.

હે જગતજનની, સંજીવની હે!
નિશાધાત્રી તું જ, તેજસ્વીની હે...

'મોરલી' શત શત નમન... મા!

આ ભારતવર્ષ છે.
અહીં અંધકારનો પણ પર્વ હોય છે.
એની ઉજવણીમાં જ એનો ઊજાસ પણ હોય છે.

કંઈક જિંદગીઓનાં કંઈ કેટલાય અંધકારો આ દિપાવલીની રાતે ઓગળતાં હશે.
માનવ હ્રદયની આસ્થા અને શક્તિ પ્રત્યેનો ભક્તિભાવ, અસંખ્ય ઊચ્છ્વાસોમાં, કંઈક કેટલાય નવાં શ્વાસો રોપાતાં હશે.

ઊત્સવનાં આગમન અને ઉજવણી, કોઈ કેટલાય પરિવારો અને સંબંધોમાં પ્રકાશની પધરામણી કરાવતાં હશે.
સંવાદિતાનું સામ્રાજ્ય પૃથ્વીપટને આમ જ સ્પર્શતું અને એમાં સ્થાયી થતું હશે.

દિવ્યશક્તિનાં ચારેય સ્વરૂપો,  દિપાવલીની ઊજવણીમાં વણાયાં છે અને એટલે સમસ્ત પ્રદેશ એનું મહત્વ માને છે. એને વધાવે છે અને એમની કૃપાશક્તિને પૃથ્વી પર વધુ સુદ્રઢ બનાવે છે.

અમાવસ્યા પણ નાનાં નાનાં દીવડાંઓ સામે હારવાનું પસંદ કરે છે અને મનુષ્યને જતાવે છે કે તારાં ઊદ્ધારમાં હું સાથે છું. આપણે બંને સાથ સાથે પ્રકાશને ફરજ પાડીશું, અવતરવા માટે...

અમાસરાત્રિને દીપ પાગટ્યમાં પલટાવનારી દિવ્યશક્તિસ્વરૂપા જ હોઈ શકે.
આ સ્તરે પ્રભુની લીલા નહીં, પ્રભુની દિવ્ય- નિર્મતશક્તિ જ હોઈ શકે...

શુભ દિપાવલી...
*ઓક્ટોબર, ૨૦૧૬


હે મહાકાળી, તવ અસર સર્વવ્યાપી,
ક્યાંય અહિત-અસૂર સંહાર નથી બાકી!
... હે મહાકાળી, તવ...

ચોમેર મા, બસ પ્રજ્વળે સત જ્યોતિ,
ક્યાંય અંધકાર રહ્યો નથી વ્યાજબી !
... હે મહાકાળી, તવ...

સર્વત્ર મા, બસ પ્રગટે દીપ ઝગમગી,
ક્યાંય છાયાની છાપ નથી કાળીરાતી!
... હે મહાકાળી, તવ...

અહીં-તહીં, બસ ઝબૂકે વાટ ટમટમતી,
ક્યાંય ધુંધળી ઝાંય નથી અડછણતી!
... હે મહાકાળી, તવ...

પળેપળે જ્યાં બસ ઊદય શ્વસે, ઊગેરવિ,
'મોરલી' ક્યાં રહ્યો વિકલ્પ પ્રકોપકાલી?
... હે મહાકાળી, તવ...
*નવેમ્બર, ૨૦૧૫


ખરી ખરી પ્રકાશપર્વ ઊજવણી ત્યાં છે જ્યાં અંતઃકરણ મોકળા છે. વિસ્તારને આવકાર છે. 

દિપાવલીનાં દીવડાંની હાર જ્યારે ફક્ત આંગણા જ નહીં પણ મન જરુખેથીયે ડોકાશે...ઉત્સવની સાચી શરૂઆત થશે...

પછી દિવાળી તહેવાર ન રહેતાં યુગ બનશે...પ્રકાશની હસ્તિ જ્યારે અસ્તિત્વો ધરી ચાલશે...ત્યારે પૃષ્ઠભૂમિમાં અંધકાર નહીં હોય...તેજને ઊપસવા માટે અંધકારનો આશરો નહીં લેવો પડે...તેજસ્વીતા તેજથી જ તેજસ્વી હશે અને બનશે...

આ દિન એવા દિપકને અર્પણ...

શુભ દિપાવલી...

જય હો...પ્રભુ!

સાદર...

- મોરલી પંડ્યા 
ઓક્ટોબર, ૨૦૧


Flower Name: Helichrysum bracteatum
Strawflower, Golden everlasting. Yellow paper daisy
Significance: Supramental Immortality upon Earth
This still remains to be realised.

No comments:

Post a Comment