Thursday, 14 August 2014

સમય સાથે સમય પણ બદલાય છે...



હંમેશાં ધિક્કારાયેલો, ન ગમતો માણસ, અચાનક આપણી જરૂરે મદદ કરે છે તો ગમતો અને કામનો થઈ જાય છે.

વર્ષોથી દાળમાંથી આંગળી વડે બાજુ પર કઢાયેલી કોથમીર, અચાનક વાનગી ઉપર ભભરાવતાં, લીલાં રંગનો ગમતો શણગાર અને સ્વાદ થઈ જાય છે.

ઘરનાં કોઈ ખાનાંમાં પડી રહેલાં પાનુ-પકડ, પ્લમ્બર ન મળતાં અતિ રાહત આપતાં અને અગત્યનાં થઈ જાય છે.

સમય સાથે સમય પણ ભારે અથવા ઝડપથી જતો થઈ જાય છે.

આ બધાં છતાં સમય સાથે માણસ કેટલો બદલાય છે?
મોટાં ભાગનાં બદલાવ તો સમયનાં આપેલાં હોય છે.

એક છેડાથી બીજા છેડાનો અનુભવ કરતો માણસ!
પણ શું એમાં માણસનો જાગ્રત પ્રયત્ન હોય છે?...
કોઈ એક તરફ જવાની કે જરૂરી બદલાવ લાવવાની ભાવના
અથવા દાનત કેટલી હોય છે?

કેટકેટલી જિંદગીઓ અને ક્ષણો દરેક માણસ સાથે પણ જોડયેલી હોય છે.
આપણાં વલણો-વ્યવહારોની ગણતરી અને સરવાળા-બાદબાકી, બીજાનાં ગણિતને કેટલાં બદલતાં હોય છે તેની સભાનતા અને સમજ, પણ શું સમય ઉપર જ લાદવી રહી?
કે બીજાની તકલીફ અને વ્યવહારમાં ક્યાંક માણસે પોતાની ભૂમિકા અને વલણોને ચકાસવાં ને સમયને થોડી ક્ષણો પકડવો?

માણસ પોતાની ક્ષમતા અને સૂઝ સાથે પણ સમય સાથે બદલાઈ શકે છે.
અને સમયને બદલી પણ શકે છે.

જરૂર છે ફક્ત સમય સાથે સમય બનવાની ને એને બદલતાં રાખવાની...
પછી બધો જ સમય આપણો જ છે અને બધો બદલાયેલો સમય માણસની સમજ અને ક્ષમતાનું જ પરિણામ હોય છે.

- મોરલી પંડ્યા

ઓગસ્ટ ૧૪, ૨૦૧૪

No comments:

Post a Comment