નમસ્કાર!
મોરલી લોકનૃત્યની સંસ્કાર સંસ્થા રજતજયંતી ઊજવણી પ્રસંગે આપ સહુનું સ્વાગત છે.… ચાર પંક્તિઓ આપની સમક્ષ રજૂ કરું છું.
કશુંય એળે ક્યાં જાય છે?
કશુંય મેળે ક્યાં થાય છે?
સ્વપ્ન અને સાયુજ્યને સથવારે બધું,
આમ જ, અચાનક તો થાય છે.
માર્ચ ૧૯૯૦ ની એક સવારે નક્કી કર્યું કે આગળ તો વધવું જ.
છ મહિનાંથી પ્રશ્નો હતાં, શું કરી શકું આ સાંસ્કૃતિક કલા, રાજકીય ક્ષમતા અને કલાસંસ્કાર માટે...આમેય છેલ્લા પાંચ વર્ષોથી મૃણાલ અને મૈત્રેયી, શેરી ગરબામાં ઈનામ જીતીને આવતાં, તો આ પ્રભાવને પણ જાળવવાનો હતો, પણ...કેવી રીતે?
મને જવાબ મળ્યો, એને ગુણીને, વહેંચીને, વધુ ને વધુ એને નવી પેઢી સુધી લઈ જઈને...જૂન ૧૯૯૦માં મોરલી સંસ્થાનો જન્મ થયો. એક સ્વપ્નની સત્યગતિની શરૂઆત...એ સ્વપ્ન એટલું નીચોવાઈને, જતનથી એ છ મહિના દરમ્યાન પાંગર્યું કે આજે રજતવર્ષની ઊજવણીએ એટલું જ સાયુજ્યસભર છે.
આજે સમજાઈ ગયું છે કે સ્વપ્ન જ્યારે માની કરુણાભેટ હોય ત્યારે એ પ્રેરણારૂપ આપોઆપ હોય છે. પછી સ્વપ્નને જરૂરી માળખું, માવજત અને મમતા બધું મળી જતું હોય છે. એમાં સાયુજ્ય, સુમેળ, સંવાદિતા, સહકાર અને સમભાવ હોય છે. પછી એમાં જોડાતી આ કે તે વ્યક્તિઓ કે આવી મળતાં સંજોગો નથી રહેતાં પણ એક સ્વપ્ન એ જ ઊત્કંઠાથી, તીવ્રતાથી, ઉદ્દેશ સાથે જીવંત રહેતું હોય છે. સમૃધ્ધિમાં વધતું હોય છે. ત્યાં પછી તપસ્યા નથી હોતી. એવાં અવસરનાં હોવામાં જ અગોચર પણ જોડાતું હોય છે.
જૂન ૧૯૯૦થી મા ની આરાધનાનું પ્રગટીકરણ ચાલું થયું ને સાધના-ભક્તિ-શક્તિનાં આ પ્રવાહમાં ૨૫ વર્ષને માણવાનો મુકામ મળ્યો છે. એ નક્કર હકીકતમાં અવિરત વહેતી શ્રી માતાજીની કૃપાને બિરદાવવાનો આજે અવસર મળ્યો છે.
એ જ વાતાવરણમાં વધુ વર્ષોવર્ષ માનું આ કાર્ય અને નવી પેઢીનું શક્ય એટલાં નિષ્ઠાભાવથી સીંચન કરતાં રહેવાય એવાં અહોભાગ્ય-અહોભાવ સાથે અહીં જોડાયેલાં સર્વેને પ્રણામ...આભાર... આવકાર…
મૃણાલ-મૈત્રેયી-મોરલી
No comments:
Post a Comment