Thursday, 16 October 2014

આ જિંદગી તો...

આ જિંદગી તો ખુલીને જીવવાનો શ્વાસ છે.
અટપટી થાય તો પણ નીડરતાનો અભ્યાસ છે.
પાંખો ખોલી, સ્થિર, તટસ્થતામાં વિસ્તરવાનું આભ છે.
જિંદગી નામક બિંદુને ઊંચેથી નિહાળવાનું ઊંડાણ છે

સંતાડીને જીવવામાં; જીવન અધૂરપનો સ્વાદ છે,
ખુદનાં રહસ્યોથી ખુદને ઠગવાની શરૂઆત છે,
સ્વને વિભાજીત કરતો, ખોખલો, દંભનો પ્રકાર છે,
સમયે ન જળવાય સંતુલન, તો ખોવાયાં હોશોહવાસ છે

આવી ઊભું એ સર્વ કર્મ, શીરોધાર્ય, યોગદાન છે.
સંકોચાઈને ક્ષીણ થવામાં ત્યાગ-વૈરાગનો ઉપહાસ છે.
મક્કમ બેફીકરાઈમાં જીવન ખેંચી જવાની ઊડાન છે.
જીવી જુઓ આમ પણ, જિંદગી, જીવવાનો વિશ્વાસ છે

પારદર્શક જો અંદર-બાહર તો મોરલીઆધાર સર્વ-શક્તિમાન છે.
જીવવું તો  બધાં વચ્ચે, સંગે-જંગે, એ જ  ખરો સમર્પિત બળવાન છે

- મોરલી પંડ્યા
ઓક્ટોબર , ૨૦૧૪

No comments:

Post a Comment