Saturday, 18 October 2014

નમ્રતામાં ઊઠે…

હે પ્રભુ…

પ્રત્યેક પ્રભાતે, આ વિશ્વ નમ્રતામાં ઊઠે…
ધરતી સ્પર્શનાં મહત્વની, સભાનતામાં ઝૂકે…
આવાગમન આ શ્વાસોનું, હ્રદયમાં સૂણે…
સમય મળ્યો જે, પૃથ્વી તણો, એ મૂલ્ય અનુભવે…

અસંખ્ય સર્જન, મબલખ અવસરો મૂકી…
કોચલાંમાં શૂન્ય એકલતા ના વહોરે…
મુક્તિ-ભક્તિ-ભુક્તિ રાગ મૂકી કોરે…
ખોખલી, હઠીલી, દિવાલો ના ચણે…

ક્ષમતા, સફળતામાં સ્વ-સંગે, પ્રભુ જૂએ…
હાર-જીત દોડમાં અહં-ડગ ના ભરે…
અહીં-તહીં, આજુબાજુ દોષ-શોધ છોડે…
સમર્પણ-યજ્ઞમાં જડ તત્વો મૂળેથી હોમે…

શક્ય એટલો માણસ બની, પ્રભુચરણે વિનમ્રતામાં નમે…
ગુણાવગુણ ભરી સૃષ્ટિ ‘મોરલી’, પણ માણસાઈ ના ભૂલે…

- મોરલી પંડ્યા
ઓક્ટોબર ૧૮, ૨૦૧૪

No comments:

Post a Comment