Wednesday, 21 December 2016

નથી ફક્ત સૂર્ય ઊદયથી...


નથી ફક્ત સૂર્ય ઊદયથી,
સવાર ભરી સૂર્ય ઊદ્દેશથી...


નથી ફક્ત સૂર્યકિરણો ભરી,
સવાર નરી દિપ્તસ્ફૂરણો ભરી...


નથી ફક્ત ઊજળી ઝળકી,
સવાર ઊદ્દિપક જ્યોત મઢી...


નથી ફક્ત રજકણ સૂર્યબિંબિત,
સવાર પ્રતિબિંબ અંતરદીપ...


નથી ફક્ત અંધકારને ચેતવણી,
સવાર તિમીર આગોતરી સજી...


નથી ફક્ત દિન ઊજવણી 'મોરલી' 
સવાર નવસર્જન અવતરતી...



સવાર એટલે, ખૂલતો આશ્લેષ કે જે અવસર મૂકે છે, નવી ઊંચાઈઓ સર કરવા માટે અણદીઠાં પ્રસંગો અને પ્રક્રિયાઓ આપીને.

નવી શરૂઆત...ઊગતો વિકાસ...એવો કે જે સૂર્યમાંથી નીકળી આંતર સૂર્ય તરફ લઈને જાય...

પૂર્વે પ્રકાશિત પંક્તિઓ યાદ આવી ગઈ,
'અંદર બાહર...સૂર્ય...સૂર્ય!
ન આથમતો, આ ઊગતો સૂર્ય'

એ ફક્ત પ્રકાશ અને ઊર્ધ્વગતિ જાણે છે કારણ આરોહણ એનો સ્વભાવ છે એ થકી પ્રાપ્ત થતું અવતરણ એનો પ્રભાવ છે.

એ સ્વભાવ અને પ્રભાવથી ચમકતો છે. તેજ વહેંચી એ તેજસ્વી છે. તેજ સ્વામી એમ જ નથી થવાતું. 
પ્રકાશને આત્મસાત કરે એ જ સૂર્ય સ્વભાવ ધરી શકે. 

જ્યોતિર્મય એ જ થઈ શકે જે જ્યોતિર્ધરમાં ઢળી શકે.

આ સૂર્ય તપતો નથી, તપસ ને તમસ નથી પણ તૃપ્ત છે...તૃષ્ણા છે તો અવિરત પ્રકાશની અને પ્રકાશિત રહી પ્રકાશિત કરવાની...તીમીરને પણ ગતિમાં મૂકી દે...

અંધકારનો વિરોધાભાસ નથી પણ એનાં હોવાથી એ કંઈ નથી.

પ્રકાશ કદી ઝાંખો પડતો નથી કે નથી સૂર્ય ખરતો...ફક્ત ચંદ્રની શીતળતાને અવકાશ આપે છે, ખીલવા માટે જ તો!

આભારી...પ્રભુ! 

પ્રણામ...

- મોરલી પંડ્યા
ડિસેમ્બર,૨૦૧૬

Flower Name: Sesbania grandiflora, Scarlet wistaria tree, Vegetable humming-bird
Significance: Beginning of Realisation full of promise and hope, it radiates joy and confidence

No comments:

Post a Comment