Thursday, 9 February 2017

ક્યાંથી ભૂલું આ સ્પર્શ...


ક્યાંથી ભૂલું આ સ્પર્શ જે મળ્યો છે! 
ધરાને ચૂમું કે આ જીવને વંદુ હવે...
બંનેએ ધાર્યું, ને ખેંચ્યું છે આ જણને,
તન ચિત્ત સમર્પિત ને ધબકે હૈયુ જે...
ક્યાંથી ભૂલું આ સ્પર્શ...

કાર્ય જીવતરનું, બધુંયે દિવ્ય જ છે,
પ્રભુનું ઘડ્યું જીવન છે, સમજાયું હવે...
ભાગે આવ્યો, આ જન્મારો આવો! ને
જીવવું એ જ, એમાં! કંઈક અદભૂત છે...
ક્યાંથી ભૂલું આ સ્પર્શ...

ચકોર, ચકચકિત ઊજળો મૂક્યો તેં,
તવ સ્પર્શનો  દિવ્યસ્પર્શ આનંદુ જે,
ક્યાંથી વાળું? ધન્ય રહું, તવ ખોળે,
તું જ જીવે એ જીવ-જીવન 'મોરલી' બંને...
ક્યાંથી ભૂલું આ સ્પર્શ...



ધન્યતા અનુભવવી...
જીવન માટે...
જીવન અવસર કાજે...

શબ્દથી કંઈક કેટલુંયે વિશેષ એ લાગતું હોય, કે જીવવા મળ્યું છે, જીવાઈ રહ્યું છે...

અહીં ચોક્કસ વ્યક્તવ્યની મર્યાદા લાગે. 

અનુભવ વિશેષ હોય તો અલાયદો રહીને ઊપસી બતાવે...
વારેવારે યાદ કરાવે, 
ફરી ફરી અનુભવ અનુભવાવે. એમાંયે આવાં સવિશેષ તો જીવવાં ગમે...

જીવનમાં, જીવન જીવવાનો અનુભવ...

જીવન જીવાય એ અનુભવ,
એ અનુભવ જીવાઈ રહયાનો અનુભવ,
એ અનુભવના અનુભવને કોઈ સાપેક્ષરીતે અનુભવી રહયું છે એ પણ અનુભવ,
અને એમ અનુભવોનાં થવામાં, એનાં હોવાપણાંમાં અને એ બધાંને સાથે, સમાંતરે થતાં નોંધાવા ને એ નોંધનો પણ પાછો અનુભવ...


આહા...
વલયો, પડળો, પ્રકારો, વલણો...
એ દરેકની વિવિધતા અને એમનાં ઊંડાણ...

અને વળી પાછો એ બધાંનો અનુભવ...અવિરત...!!

ધન્ય પ્રભુ...

પ્રણામ...

- મોરલી પંડ્યા 
ફેબ્રુઆરી, ૨૦૧૭ 

Flower Name: Lagerstroemia indicates, Crepe myrtle, Crepe flower 
Significance: Integral Intimacy with the Divine 
The whole being vibrates only to the divine touch.

No comments:

Post a Comment