Sunday, 26 February 2017

ધન્ય પૃથ્વી!


ધન્ય પૃથ્વી! તેં ઝીલી મને,
દિપ્ત અવતરણને સૂણી, સંગે... 

પરે, મનમલયથી ઝીલી મને,
ગગન ગેબીથી સૂણી ,સંગે...

તેજ વાયરામાં ઝીલી મને,
ઝલકતી શ્વેતધારે સૂણી, સંગે...

સત્યશુદ્ધ મકામે ઝીલી મને,
ઊત્સુક એકાગ્ર કર્ણે સૂણી, સંગે...

દિવ્યગમન રગે ઝીલી મને,
'મોરલી' નીતનવીન સૂણી, સંગે...


માનવજીવન માટે પૃથ્વી એક એવું સ્થાન છે જયાં કશુંક પણ ખીલી નીકળે છે. 

તન, મન, મતિ, પ્રાણ, ચૈત્યથી ભરપૂર માણસ અને એ બધાંયનાં વિવિધ રંગો, ચડતી-પડતી...એ બધાંમાં કશુંક તો મળી જ આવે, જેને ફૂટ આવે. જેટલું અંતર ફળદ્રુપ એટલી જલ્દી મહોર બેસે...

પૃથ્વી મૂળે ખીલવણીનો પર્યાય...
મૃત પણ જીવન લેવા જ મૃતક બનયું હોય. 
અનાદી અનંત...એનો સ્વભાવ...
કશુંક મૂકી આપે છે જે અવિરત છે...
વધઘટ, ઊંચનીચ સાથે, પણ અંત કે અટકાવ નથી. વિરામ છે તો પણ એ પ્રક્રિયાનો હિસ્સો છે. 
એનાં પછી કંઈક ગોઠવાયેલું જ છે. બનાવટની બીના છે...
કશું ય અચાનક કે અનાયાસે નથી.

"કશુંય એળે કયાં જાય છે,
કશુંય મેળે કયાં થાય છે.
સ્વપ્ન અને સાયુજ્યને સથવારે
બધું જ, આમ જ! તો થાય છે..."
આ ધરતીની ગતિનો ભાવ, જ્યારે થોડો કંઈ સમજાય તો આવી આ પંક્તિઓ આમ ખરી પડે...


ખરો લય ત્યારે જ આવ્યો હોય છે. 
પૃથ્વીની ગતિ સાથે તાલ બેઠો હોય છે. જીવતરમાં પછી જ પ્રાસ આવે છે. 
પછી જ કદમમાં રણકો સંભળાવવા લાગે છે. 
પછી જ પડઘાં ગુંજ બને છે. 
ને પછી જ સમૂહગાન બને છે.

ને પૃથ્વી પર નવું કંઈક ઊતરી આવી, સ્થાપિત થાય છે...

પ્રણામ...

- મોરલી પંડ્યા 
ફેબ્રુઆરી,૨૦૧

Flower Name: Hibiscus rosa-sinensis, Chinese hibiscus, Hawaiian hibiscus, Rose-of-China 
Significance: Blossoming of the New Creation
The more we concentrate on the goal, the more it blossoms forth and becomes precise. 

No comments:

Post a Comment