દર પદ્મ આસન તવ ચરણે
પ્રદીપ્ત દીપ્તિચક્રો, ચરણે
દેહ ને દર કોષ, તવ ચરણે
ફરતે ફરતું આભામંડળ, ચરણે
દર કણ ને રેષો, તવ ચરણે
વહેતું પોષતું રક્તબિંદુ, ચરણે
તસું એ તસું ચર્મપટલ, તવ ચરણે
રક્ષતું સઘન કવચ, ચરણે
ગત; જન્મો ને કર્મો, તવ ચરણે
ભવ કાર્ય ને કરણ, ચરણે
ભાવિ જન્મો ને સમર્પણ, તવ ચરણે
સમયગતિમાં યોગદાન, ચરણે
પ્રભુ, આ દીધો સાદ, તવ ચરણે
'મોરલી' ઊંડો આભાર, ચરણે...
ધન્યતાની ચરમસીમાએ બીજું શું હોઈ શકે?
ધન્યતાની અને અર્પણની પરાકાષ્ટા...
એ પરાકાષ્ટાની સતતતા...
"કશું ન બાકી રહે હવે,
આ જીવન હવે તારે ચરણે"
બસ! એ જ ભાવ સાથે પંક્તિ સ્ફૂરી આવે...
આ વાંચીને મન, બુદ્ધિને અઘરું લાગે...
આમ જ, બસ! મૂકી દેવાનું?
કોને, કેમ, કયાં...કેવી રીતે...???
પશ્નોની વણઝાર...
બહાનાઓ, કારણો બતાવવા લાગી જાય આંતરમન...
જાતનો જ જાત સાથે સંવાદ,
"આવું કંઈ ના હોય...
આવું આપો ને કોઈ લઈ લે, જાણે સામે ઊભા હોય!
એવું કંઈ થોડું હોય?"
આવા અનેકો કારણો ને ગળે ઊતારી દેતાં તર્કો છતાં,
જયારે અંતરના ઊંડાણેથી આભાર પ્રગટે, અલબત્ કોઈ ઘટનાને અંતે સમજ જ ખુલી હોય, ત્યારે બંધુ જ, બધાં જ જોડકાંઓ, શરતો, સમીકરણો વેરાઈ જાય. મન પણ માનવાનું છોડી દે ને એ ધન્યતાનાં પૂરમાં ખેંચાઈ જાય. જીવનની સાચી સમજ અને સભાનતા જ્યારે શરીરમાં સમજાય...એ ભાન જ્યારે કણ કણ અનુભવે પછી કશું એને પ્રભાવી થતાં રોકી ન શકે.
હતું શું કે જાય છે...
હું એ હું કયાં છું જ કે બદલાશે...
એટલે જ પછી,
અવસ્પર્શ નિશ્ચિંતતા, ધરપત અને અદમ્ય શાંતિ...
પ્રભુ...પ્રભુ...
પ્રણામ...
- મોરલી પંડ્યા
માર્ચ, ૨૦૧૭
Significance: Offering
The only offering that truly enriches is the one that is made to the Divine.
No comments:
Post a Comment