અસ્તિત્વ આખું શમી ગયું,
તારલાનું ટમટમવું પતી ગયું,
ન ખરવું ન ચમકવું, કંઈ રહ્યું,
પછી કહો - હવે શું બાકી રહ્યું?
ઊગમણું-આથમણું શમી ગયું,
ઓટ-ભરતીનું એંધાણું ગયું,
ક્ષણિક ઝલકતું, ન ઘટતું રહ્યું,
પછી કહો - હવે શું બાકી રહ્યું?
શમણું સદંતર, શમી ગયું,
સપાટીએ ઝલકવું, મટી ગયું,
અલપઝલપ સંભારણું ન રહ્યું,
પછી કહો - હવે બાકી શું રહ્યું?
સ્વરૂપે જન્મ્યું ન એળે ગયું.
ખોખલું ખોખું ઓગળી ગયું.
'મોરલી' સઘન, સબળ બની રહ્યું,
સમંદર ભરપૂર હિલોળી રહયું...
ના ભરતી ના ઓટ!
હવે ક્યાં કશું ડૂબવાનું,
હવે ક્યાં કશું ડૂબવાનું,
આ તો સ્થિર પાણીનું વહેણ!
આમાં ક્યાં કંઈ તણાવવાનું!
આમાં ક્યાં કંઈ તણાવવાનું!
ના નવું કે ના અજૂગતુ!
હવે ક્યાં કશું ટકાવવાનું,
હવે ક્યાં કશું ટકાવવાનું,
આમાં ક્યાં કંઈ કુતૂહલ કે
પ્રલોભન! તે ચમકવાનું!
પ્રલોભન! તે ચમકવાનું!
ના અતિરેક કે ના કશું શેષ,
હવે ક્યાં કશું બાંધવાનું ,
હવે ક્યાં કશું બાંધવાનું ,
આમાં ક્યાં કંઈ ભાવ કે
તણાવ! તે ખેંચાવવાનું!
તણાવ! તે ખેંચાવવાનું!
ના વિયોગ કે વિનિયોગ!
હવે ક્યાં કશું પકડવાનું,
હવે ક્યાં કશું પકડવાનું,
આમાં ક્યાં કંઈ ખાસ કે
અનુચ્છેદ! તે ઝઝૂમવવાનું!
અનુચ્છેદ! તે ઝઝૂમવવાનું!
આ તો પારદર્શક ખળખળ સ્વચ્છ સફેદ સોહામણું સાગર-ભળતું વહેણ!
હવે તો ‘મોરલી’ ભવસાગરને
પ્રભુસાગરમાં મળવાનું-ભળવાનું…
પ્રભુસાગરમાં મળવાનું-ભળવાનું…
ના સ્વ રૂપ કે ના સર્વરૂપ! બધું જ સમસ્ત! સર્વત્ર સર્વશ્રેષ્ઠ!...
આભાર…
*માર્ચ, ૨૦૧૪
ફરીયાદ નથી કોઈ તાક નથી,
હરતું ફરતું રમતું છે.
આ જીવન તારે ચરણે ધરી,
બસ! ખાલી અમસ્તુ શ્વસતું છે.
હરતું ફરતું રમતું છે.
આ જીવન તારે ચરણે ધરી,
બસ! ખાલી અમસ્તુ શ્વસતું છે.
ન ગૂંથવું કંઈ ન વાળવું કંઈ,
પોત મલમલી લીસું છે.
આ જીવન તારે ખોળે કરી,
બસ! પાલવમાં લપેટાયેલ શિશું છે.
પોત મલમલી લીસું છે.
આ જીવન તારે ખોળે કરી,
બસ! પાલવમાં લપેટાયેલ શિશું છે.
અવશેષ નથી કંઈ શેષ નથી,
અત્ર તત્ર સર્વત્ર છે.
આ જીવન તારે તેજે ભળી,
બસ! ભાનુ કિરણમાં ઊગતું છે.
અત્ર તત્ર સર્વત્ર છે.
આ જીવન તારે તેજે ભળી,
બસ! ભાનુ કિરણમાં ઊગતું છે.
તેં, ભરપૂર ભરી, અણુ કણુ દિપ્તી,
ચૈત્યતત્વ જ સર્વસ્વ છે.
‘મોરલી’ જીવન, તારે ઊંબરે ઝૂકી,
બસ! પ્રેમ ઓઢતું, ખીલતું છે.
બસ! પ્રેમ ઓઢતું, ખીલતું છે.
*ફેબ્રુઆરી, ૨૦૧૫
ન મથતી મતિ કે મન,
ફક્ત હૈયે ઊગતો રવિ
ને ચેતના ઠારતો શશી છે.
ન અવરોધ કે રહ્યો આડંબર,
ફક્ત કોષે કોષે ખીલતો,
ધરપત ને ધારણ સહિત,
દૂર કોસો અજવાળતો છે.
ન રહ્યું ખેંચાણ કે ભ્રમિતભાન,
ફક્ત ઘૂંટ તેજનો ગ્રસતો,
માકૃપા આચ્છાદન મધ્યે,
તસુ તસુ, વિસ્તરતો છે.
ફક્ત હૈયે ઊગતો રવિ 'મોરલી' ને
ચેતના ઠારતો શશી છે.
*એપ્રિલ ૭, ૨૦૧૫
પ્રણામ...
- મોરલી પંડ્યા
ફેબ્રુઆરી,૨૦૧૭
Flower Name: Asparagus racemosus
Significance: Beauty Arising from Consecration
Be sincere and absolutely in your consecration to the Divine and your life will become harmonious and beautiful.
No comments:
Post a Comment