ઊણપ તો નજરમાં બેઠી હોય,
અધૂરપ ખુદની જ ડોકાઈ હોય,
બહાર ભલે શોધી દેવાઈ હોય,
ફાટ તો અંતરની જ દેખાઈ હોય...
સમજ એટલી જ સમજાઈ હોય,
આંતરપ્રતિબિંબે જ ઊપસી હોય,
ઓળખથી જ ઓળખાઈ હોય,
અજ્ઞાત ક્યાંથી ઊકેલાઈ હોય?
સ્વ-સંતુલન, જો કાબુમાં હોય,
નજર, સમજમાં સમાધાન હોય,
ઊણપ, અધૂરપ વટાવેલ હોય,
તો અમલી દરેક વર્તાવ હોય...
રસાકસી, સાંધ-ને પેલેપાર હોય
આંતર ધરપત સ્થિર ચાક હોય
પરિણામે પ્રેરણામાં પલટી હોય
વ્યક્તિ દ્વારા જે કંઈપણ નોંધાય છે, ઓળખાય છે, સમજાય છે...એ બધું જ અંદર હોય છે એટલે જ એ ગ્રહણ થાય છે.
જેમકે કોઈ અજાણી ભાષાનું લખાણ, નથી વાંચી કે સમજી શકાતું કારણ કે એ શીખેલું નથી હોતું...એટલે કે એ લિપિ અને એની પાછળનાં સંદેશની સંદર્ભસમજ વ્યક્તિ પાસે નથી. એટલે એની પરખ નથી. પણ જેવી જાણીતી ભાષા લિપિ આવે, તરત જ, વંચાવા લાગે છે. મોટેભાગે ખાસ પ્રયત્ન વગર પણ સમજાવા લાગે અને અનાયાસે પ્રતિભાવમાં પણ આવી શકે.
અર્થ જ, જે અંદર છે તે જ પ્રતિક્રિયા આપી શકે.
એટલે જ, ઊણપ, અધૂરપ, ખોટ, બાધ...
બધાં નજરનાં જ તો વાના છે.
નજર, એ સમજ, જ્ઞાન, અનુભવે કેળવાય છે. એને ધારદાર કરવા અનુભવની ચડઊતરમાંથી પસાર થવું પડે છે...
નજર, એ સમજ, જ્ઞાન, અનુભવે કેળવાય છે. એને ધારદાર કરવા અનુભવની ચડઊતરમાંથી પસાર થવું પડે છે...
જે એ ચડતી-પડતીને પિછાણે છે, વટાવીને આગળ નીકળે છે એ, જાણે છે કે બહાર ઊણપ જોવી, એ ખુદની કચાશનો પડછાયો છે.
પોતાની ઊપર સમારકામ, કરવાની જરૂરને એ પ્રતિબિંબિત કરે છે. જયારે આંતરિક સભરતા કે સરભરતા મળે છે બાહયજગત, આપોઆપ સુંદરતામાં ઊકલે છે. યોગ્ય સમજાય છે...
પ્રેરણાની શરૂઆત અહીંથી થાય છે.
પછી દરેક ખોટ એ અવસર છે ઊઠવાનો...
તક છે પોતાને જીતીને આગળ વધારવાની...
સંપૂર્ણતા તરફથી વધવાની...
દર ખૂટતું, ખૂંચતું, ઘટતું, અધુરું પ્રેરણા બને છે નવી પ્રેરણા લેવા માટેની...
જેમાંથી ઊગી નીકળે છે નવું સમત્વ અને નવીન અમલ...
અને વળી એક નવું ગતિચક્ર...
જે નવાં પ્રેરણાદાયી આયામો ખોલે...
જરૂરી છે શીખતી નજર હોવી...
વાહ પ્રભુ...
પ્રણામ...
- મોરલી પંડ્યા
ફેબ્રુઆરી, ૨૦૧૭
Flower Name : Magnolia grandiflora, Bill bay, Southern magnolia
Flower Name : Magnolia grandiflora, Bill bay, Southern magnolia
Significance : Perfect Vigilance
Nothing is neglected in its observations.
No comments:
Post a Comment