કશુંય નથી જે 'મારું' કહો
માન્યું 'મારું' તો તમારું જુઓ
એકએક ઘટક કે ભાવ કહો
વિશ્વમાં ઘુમતું જ આવ્યું જુઓ...
બધું જ અહીં હવામાં, કહો!
ફરતું ફરતું આવ્યું જુઓ
જાકારો દઈ, 'જાઓ' કહો
અસ્વીકાર, અંદરથી જુઓ...
માનવું છે તો આવકાર કહો
મનન, વલણમાં મૂકી જુઓ
ગમી ગયું તો ગમ્યું કહો
સન્માનભેર અમલી જુઓ...
મારું મારું, આમ રહેતાં કહો
કરતાં, થોડુંક ઘણું જોઈ જુઓ
અઘરું નહીં, સહેલું, વહેવું કહો
અસ્તિત્વમાં 'મોરલી' મોકળાશ જુઓ...
દુનિયા મારી આજુબાજુ છે,
બધુંજ મારું અને મારા લીધે છે,
મેં કર્યું, તો છે,
મેં કહ્યું, એટલે છે,
હું ન હોત તો આ... ન થયું હોત,
હું જ બધું કરું છું,
મારે લીધે તો આ... થયું,
હું નહીં કરું તો કોણ કરશે,
મારાં વગર કેવી રીતે થશે,
હું કહું ત્યારે જ તો થાય છે...
ઓહો...વણઝાર મૂકી દે છે...
હું...મારી...મને...મારું...!!
અવિરત છે એ પ્રાણમય વલણ...
એ વ્યક્તિને એમાં રત ને રમમાણ રાખે.
બધે જ પોતાનું હોવું અનિવાર્ય અને અનન્ય લગાવે. બધું જ કંઈ પોતાથી શરૂ થઈ, પોતા પર જ પૂર્ણ થતું હોય જાણે...
મોટેભાગે વ્યક્તિ અજાણ અને એ અજાણતામાં ઓતપ્રોત અને એનો અપાર આનંદ...
એ આનંદ લેવાં કંઈ કેટલાય દાવપેચ, રમત, સમીકરણો રચાય.
પહેલાં જગ્યા ઊભી કરવાની,
પછી મેળવવાની,
પછી ટકાવી રાખવાની,
પછી બીજાને નહીં આવવા દેવાની,
એક વણદેખ્યા ભય સામે લડત...
દરેક પગલે એક જીત જોવાય અને એ જીતનાં ચઢાણની સતત જરૂરિયાત, જે અસ્તિત્વની સહજતાને મારી નાખે.
જન્મજાત પ્રવાહિતાને સૂકવી ને એવી કડક કરી નાખે કે સહેજ નમવાનું આવે તો તૂટીને, ભૂકકો થઈ, વેરાઈ જાય...
એને સમેટવાની તો આવે જ,
કારણ જીવન તો હજીયે ચાલું જ હોય, ને
જીવવાનું પણ!
પ્રણામ...
- મોરલી પંડ્યા
ફેબ્રુઆરી,૨૦૧૭
Flower Name: Scabiosa atropurpurea, Mournful window, Sweet scabies, Pincushion flower, Egyptian rose
Significance: Blessings
Pure and innumerable, manifesting themselves infinitely.
No comments:
Post a Comment