Wednesday, 14 June 2017

મૂકી દો એ ભાવિમાં દોરી જતાં...


મૂકી દો એ ભાવિમાં દોરી જતાં અંતિમ બિંદુ
કલ્પનાની રગે સરકાવતાં અદ્રશ્ય તંતુ
એ નકામા અસ્પષ્ટ, અટવાવે 'અત્ર' સમૃદ્ધ
'અહીં' થી દૂર ભ્રમણમાં ભમરાવતાં તૂત!

નિશ્ચિત છે જે ઊદ્ભવ્યુ એ વિધીવત છે જરૂર.
એ ધરપત પચાવશે અણદીઠ્યાં આગંતુક. 
વલખાં મારવાં ખોટાં ને દોટ અણદીઠી, ભૂલ!
ઠર્યું છે પૂર્વેથી, અબઘડીમાં થોડું છે મૂળ? 

નિશ્ચલ નીરવ નિતાંત શાતા, નિષ્ઠા મૂળભૂત
બંધારણ ઘડી દીધું છે જે, અમસ્તું એમ જ શું?
સ્થાપિત થવું ભાવ-વિચાર-ચિત્ત ને ધરમૂળ
સ્થાયી સામ્રાજ્યમાં 'મોરલી', શાંતિ મશગૂલ.


સ્વયંસ્ફૂરિત...સ્વયંભૂ...ત્વરિત...
ઊત્તરો, પ્રતિભાવો જરૂર પ્રસંશનીય ગણાય પણ આયોજનના મુદ્દે એ નબળાઈ ગણાય. જેટલું પૂર્વયોજિત, નિર્ધારિત, જડબેસલાક એટલું એ વધુ સરાહનીય ગણાય...

અહીં શિસ્ત કે એને અગ્રતા આપતાં વિષયો કે વ્યવસ્થાની વાત નથી...આંતરવલણની દોરવણીની વાત છે.

આયોજન યોજનબદ્ધ થવા માટે હોવું રહ્યું નહીં કે યોજન બનવા માટે...

મોટેભાગે એ ભેદરેખા ભૂલાઈ કે ભૂંસાઈ જાય છે કે યોજના સરળતા અને અસરકારકતા માટે છે, નિર્ભર થવા માટે નહીં. 

સમય ઊપયોગ અને દક્ષતા વધુ સાર્થક બને એ કિંમતી છે. પણ આયોજનનાં આટાપાટાનું વ્યસન થવું એ કંઈક અંશે દર્દનાક બની શકે.


ત્વરિત હોવું, રહેવું અને એ પસંદ કરવું...એ દરેક સૂચક અને સાંકેતિક જ કહી શકાય. 

કારણ ત્વરિત થવા માટે ખાલી રહેવું પડે છે. જાતને જ જગ્યા આપવી પડે છે. 
કોરા કાગળ જેવાં નિ:શબ્દ થવું પડે છે. વિચારોને પણ સૂકવવાં કે બુઠ્ઠાં કરવાં પડે છે. અવરજવરમાં અડીખમ ઊભાં રહેતાં શીખવું પડે છે. 
અબઘડી સાથે સહીયારો કરવો પડે છે. ક્ષણની સ્વતંત્રતાને માણતાં શીખવું પડે છે.
પળપળની મુક્તિને પાત્ર થવું પડે છે.
દર ઘડીમાં જિંદગી ઊગતી અને વિસ્તરતી પામવી પડે છે.
શાંતિનો છેડો અહીંથી ઘર કરે છે...

સાદર...

- મોરલી પંડ્યા 
મે, ૨૦૧

Flower Name: Celosia argentea (Cristata)
Common cockscomb 
Significance: Spontaneous Boldness
One of the results of perfect trust in the Divine

No comments:

Post a Comment