સ્વ ઊંડે શોધવું મૂળ.
જગમાં જોડવું, ભૂલ.
ઊત્કાંતિ પોતીકી કૂચ,
જે જે ધરે સુક્ષ્મ-સ્થૂળ.
અહીં તહીં! નર્યું તૂત!
ભીતરે ડૂબકી બહુમૂલ.
દેખતી દ્રષ્ટિ હજાર ચૂક.
મહીં મન-મતિ-તન નૂર...
ચેત! અથવા પતન જરૂર.
એંધાણ, ચેતવણી જેવું કશું!
લઈ માન તું, વિનામૂલ્ય!
નહીતર સમય દેખાડશે અચૂક.
પૂર્ણતા જ ધરે સફર પૂર્ણ.
સ્વયંથી મોટી ન કોઈ ટૂંક.
ટોચ ઊંચેરી ખુદમાં ઢૂંઢ!
આત્મકેન્દ્રી જ સાચી, શુદ્ધ...
જવાબી જગત દેખાડે શૂન્ય.
'પંડને પ્રશ્નથી જ પંડ ઉત્કર્ષ'
એ જ દેશે ભાવિ અમૂલ્ય, 'મોરલી'
પ્રભુ શોધવો, ખોદી ઉર...
સ્વની સ્વયં સાથે સફર એટલે જીવન...
એ પછી સ્વની સામે પણ હોય અને સ્વને પડકાર પણ!
પણ હોય એ ભીતર ખૂંદતી, વલોવતી અને ઊજાગર કરતી...
શાસ્ત્ર, જ્ઞાન, વિજ્ઞાન, મનોવિજ્ઞાન બધાં જ પક્ષો આ જ વાતને પુષ્ટિ આપે છે કે અંતે તો સ્વખોજ જ જન્મઊદ્ધાર છે અને નીકળતો જીવનસાર...
છતાં આ તો માણસ છે મન-મતિ-તન-પ્રાણ તત્ત્વોનો પેચીદો સમૂહ!
આમ તેમ, અહીં તહીં, અવળો સવળો ભગવતો!
સંજોગ, સમય, અન્યોમાં સમીકરણો ગોઠવતો, ત્યાં કોયડા અને જવાબી ચોકઠા શોધતો...જવાબદાર ઠેરવતો...ભાગતો ફરતો...
સમયાંતે થાકીને હારીને અક્ષમનાં સ્વીકારમાં જાતને સ્વીકારે અને તંતુ સધાય!
પોતાનાં જ અંતરની ભેટ!
અને સમજાય કે આ 'દોડ' અને 'ભાગ' તો ખુદની ખુદથી હતી.
એ સમજાય, ને સાથે કૂંચી પણ...
સાદર...
- મોરલી પંડ્યા
જૂન, ૨૦૧૭
Flower Name: Arctotis venusta
Blue-eyed African daisy
Significance: Endeavour
Cheerful Endeavour
The joy that one finds in the effort towards the Divine.
No comments:
Post a Comment