Thursday, 7 September 2017

ઝૂકીને લે સલામ!


ઝૂકે જો કોઈ આમ, ખાસ ઝૂકીને લે સલામ!
જિંદગીનાં પડતાં ચાસ, દેતાં કોઈને આશ!

ભાંગ્યો થઈ ભાગ, ભાગ! તિરાડો ને સાંધ.
દેખાઈ રહ્યો તું કોઈને, વિખરાવને પડકાર!

ભીતર ટેકે ટકી, માંડ્યો પ્રેરણાત્મક પ્રવાસ.
લૂંટવા દે એ ટકાવનાં ટાંકા, રૂઝનો સ્વભાવ.

અહંભેર ચાલી જઈશ તો સાંધે ચડશે જાળ
આચ્છાદિત મર્મો પછી અયોગ્ય અન્યો કાજ.

એક એક તડને જેમ સીંચી છે સમથળ સપાટ
જાણે તું ખરે જ, સપાટી ન પ્રલોભન કે પ્રભાવ.

ખૂંપી જા અંતરે હવે, ત્યાં અંદર છે સર્વ જવાબ,
ઊંડા એટલાં ઊંચાં, કર્મો ને લક્ષ સાથસાથ!


પ્રેરણા લેવી કે ટીકા આપવી...અન્યનાં પરિઘમાં પડતો પ્રસ્તાવ છે એ જવા દેવામાં જ ઊર્જાનો બચાવ છે.

પોતીકી સફરની જવાબદારી બસ ઉદ્દેશ સાથે જોડી દેવી રહી. પછી આંતરિક પ્રભાવ જ હાવી હોય છે ને બાહ્ય મંતવ્યો એમ જ અવસ્પર્શ્ય રહી ત્યાં જ ખરી પડતાં હોય છે.

સ્વગાથા જ્યારે ખુદને પ્રેરણા દેતી હોય છે ત્યારે અચૂક અન્યોને પણ ક્યાંક સ્પર્શતી હોય છે.

કોઈક સમયે એમાં શ્વાસ દેવાની તાકાત આવી હોય છે તેમ વહેંચવાની પણ મજબૂતી હોય છે. 

ઘણું બધું એવું હોય છે જે પંડ પૂરતું ને એટલે ખપ પૂરતું જ ખેંચાયું હોય છે.

પણ જ્યાં સર્વસ્વ સમસ્તને પંથે પકડાયું હોય છે ત્યાં વહેંચણીમાં કશું ખોવા કે ખૂટવાની માનસિકતા નથી હોતી.
કારણ પોતે ખુદ સ્ત્રોત સુધી પહોંચ્યાં હોય છે એટલે જ ભાગે પીરસવાનું પણ આવે છે.


વિનમ્રતા ને ઝૂકાવ પછી વ્યાખ્યા નથી રહેતાં પણ વ્યક્તિ-વલણ બની જાય છે.

કોકની ધન્યતા પર પણ પોતાનો ધન્યવાદ નીકળે છે...

જય હો...પ્રભુ!

સાદર...

- મોરલી પંડ્યા 
સપ્ટેમ્બર, ૨૦૧

Flower Name: Viola odorata
Sweet violet, Garden violet, English violet
Significance: Modesty
Is satisfied with its charm and does not attract attention.

No comments:

Post a Comment