Monday, 2 September 2019

ભક્ત મસ્ત ભલી ...


ગણેશ! બોલો, શાને આજ દિને જ તમોને આવકારું?
સ્થાપિત સ્થાયી સદૈવ. શાને આજ જ ઉત્સવ માનું?
...ગણેશ! બોલો, શાને...

તિથી ચતુર્થીનો પર્વ વર્ષે શાને વર્ષ આંતરે મનાવું?
ગૃહપ્રવેશ તો કે’દીનો અંતરે શાને તલસું વર્ષ આખું?
...ગણેશ! બોલો, શાને...

વિઘ્નહર્તા પળપળ રક્ષે શાને દિન એકમાં નીપટાવું?
કૃપાદ્રષ્ટિ બરકત બક્ષે શાને માસ બાર વાટ જોવડાવું?
...ગણેશ! બોલો, શાને...

રીતિ યુતિ ઘડે મહુરત શાને નિર્ભર આગમન સ્વીકારું?
રીત રિવાજ બદ્ધ સંસારી શાને પરમને નિયમે બાંધું?
...ગણેશ! બોલો, શાને...

અનુકંપા અવિરત અનર્ગળ શાને ચોઘડિયાંમાં ચાળું?
અસીમ જ્ઞાનગંગા ખળ ખળખળ શાને સમયબાંધ ચણાવું?
...ગણેશ! બોલો, શાને...

ભક્ત મસ્ત ભલી. તુજ પગથી પર હળવે હળવે ચાલુ.
શાને વિનાયકને મૂરતમાં પૂરી વિસર્જને તદ્દન વિસરાવું?
...ગણેશ! બોલો, શાને...

ૐ ગં ગણપતયે નમ:

નતમસ્તક પ્રભુ!

સપ્ટેમ્બર ૨૦૧૯


No comments:

Post a Comment