Sunday, 16 August 2015

હે મા, હે શ્રી...


હે મા, હે શ્રી,
આ પૃથ્વી તણી સફરમાં
સજીવ-અજીવ દર જીવને,
તમારી ચેતનાનો આધાર મળે.

હે મા, હે શ્રી,
આ અટવાતાં ઝંખતા ઠેલાતાં
સજાગ-અજ્ઞાત દર જીવનને,
તમારી કૃપાનો પ્રસાદ મળે.

હે મા, હે શ્રી,
આ છોને કારક અંધકારનાં
વહોરતાં-ખોલતાં દર મનને,
તમારી જ્યોતનો ઊજાસ મળે.

હે મા, હે શ્રી,
આ વ્યથા ઓઢતાં પોઢતાં
શુષ્ક-ઊષ્ણ દર હ્રદયને,
તમારી કરૂણાનો ઊઘાડ મળે.

હે મા, હે શ્રી,
આ તમારાં જ ગોઠવેલાં
જાણ્યે-અજાણ્યે દર ક્ષણ-ચોકઠાને,
તમારી શરણ અર્પણનો ભાગ મળે.

હે મા, હે શ્રી,
આ વિકસતી સૃષ્ટિનાં
સીમિત-પરમ દર તરંઞને,
તમારી અભીપ્સાનાં સૂર્યપંખ મળે.

હે મા, હે શ્રી,
આ જણ-જીવ-જીવનનાં
ગુથ્યાં-છૂટાં દર તાણાવાણાંને,
તમારી શક્તિનાં ધારણ મળે.

હે મા, હે શ્રી...'મોરલી' વંદન...
- મોરલી પંડ્યા
ઓગસ્ટ ૧૬, ૨૦૧૫

No comments:

Post a Comment