Saturday, 22 August 2015

સંબંધમાં વસંત ખૂટે...


સંબંધમાં વસંત ખૂટે, તોય ન ભાગશો
હજી પાનખર નથી એની હાશ માનજો..

ચૂપચાપ કોક ખૂણે, મૂંગાં સ્થિર સાંખજો,
એ નમતાં સંબંધને ટેકો દેતા ટેકો લેજો.

અડીખમ રહી એને ટીપે ટીપે સીંચજો,
અંકુર સૂકાય તો પાછાં ચાર બી વાવજો.

વ્યાખ્યાનાં મૂળમાં જ જોડાણ છે, સમજો.
સંબંધની સમજ જ બે છેડા વચ્ચે જાણજો.

જેટલું રોપ્યું એટલું ઊગશે, નક્કી રાખજો.
છાંયો મળશે જ, જો ભાવિ-વડ ઊગાડશો..

દુર્વ્યવહાર, દુરાચારને ના જગા આપશો.
દ્વિપક્ષી અસંમતિ, તો જાકારો જરૂર દેજો!

ખારાશ-તીખાશ મૂળ સ્વભાવ, સ્વીકારજો.
બદલાતાં સ્વાદ વચ્ચે મધુરભાવ ચાખજો.

જિંદગી સંબંધ, 'મોરલી' પ્રભુ-જીવ વચ્ચે, જીવજો.
જીવનને સન્માનવાં વિવિધ સંબંધપુષ્પ માણજો!

- મોરલી પંડ્યા
ઓગસ્ટ ૨૨, ૨૦૧૫

No comments:

Post a Comment