પ્રભુ...
ભ્રમ માની ને ભાગવું નથી,
નેતીનેતીમાં ખપાવવું નથી,
આ વિશ્વ આમ મન આંખેથી
માન્યતામાં સમાવવું નથી.
વૈશ્વિકપડળમાં ખોવાવું નથી,
ખુલ્લી કુદરતમાં ગભરાવું નથી,
આ વિશ્વ આમ ડર પ્રભાવથી
ખુણો ધરીને પતાવવું નથી.
બ્રહ્મસ્થાનને નકારવું નથી,
સ્પર્શ ગુમાવીને સંભાળવું નથી,
આ વિશ્વ આમ પસંદબાજીથી
શોગટા-ચાલમાં રમાડવું નથી.
પ્રભુ કાયદો કોઈ કઠોર નથી,
કસોટી-ચુકાદાની હારમાળ નથી,
આ વિશ્વ આમ ઊકલતી ગુંથણી,
દોષારોપણમાં રીબાવવું નથી.
અસંખ્ય શક્યતાઓ એળે નથી,
જીવન મળવું, મળ્યું વ્યર્થ નથી,
આ વિશ્વ આમ અનંત 'મોરલી'
પ્રભુઅવસ્થા વિના જીવાતું નથી.
- મોરલી પંડ્યા
ડિસેમ્બર, ૨૦૧૫
No comments:
Post a Comment