હરિ, તારાં પગલે, પગલું
'માં બ્રહ્માંડ અગોચર પામું
હરિ, તારું ને મારું સહિયારું
એક એક કદમ બને ભાથું!
હરિ, તારાં નયને માણું
આ પૃથ્વી તણું નજરાણું
હરિ, તારું ને મારું સહિયારું
એકએક દ્રશ્ય દિવ્ય લ્હાણું!
હરિ, તારાં કર્ણે, કર્ણ માંડું
બ્રહ્મનાદ રસગાન ઊતારું
હરિ, તારું ને મારું સહિયારું
એકએક સૂર સત્ય સૂરીલું!
હરિ, તારાં હસ્તે, હાથ મિલાવું
કર્મ કર્તવ્યમય નિપટાવું
હરિ, તારું ને મારું સહિયારું
એકએકમાં હરિસાથ જોડું!
હરિ, તારાં હ્રદયે, હ્રદય સમાવું
કરુણાસાગરમાં ભાવ ડુબાવું
હરિ, તારું ને મારું સહિયારું
એકએક નિરવ નિ:સ્પંદ જાણું!
હરિ, તારાં જ આ તને ઓળખું
તારાંમાં જ 'મોરલી' વિસ્તારું
હરિ, તારું ને મારું સહિયારું
એકએક ક્ષણ સાથસથવારું!
- મોરલી પંડ્યા
જાન્યુઆરી, ૨૦૧૬
No comments:
Post a Comment