ખોલ દરવાજાં, અફાટ!
નિયતે ક્યાંય ખોટ નથી.
સાંકડી શેરીને ચીર ફાડ
ઈરાદે સંદેહ નથી.
ફંગોળ એ તુત ને તોફાન!
નિયતે ક્યાંય બાધ નથી.
તોડ તંતુ ને તરણું હટાવ
ઈરાદે બેમત નથી.
નીકળ લઈ લાંબી ફલાંગ!
નિયતે ક્યાંય રોક નથી.
ભર કૂદકા ને મોટી છલાંગ
ઈરાદે પીછેહઠ નથી.
પાડ્યો જીવે નવો રાસ!
નિયતે ક્યાંય હાર નથી.
ઓળીઘોળી પચાવ પ્રાસ
ઈરાદે કંપન નથી.
'મોરલી' જીવન સુથરુંસાફ!
નિયતે ક્યાંય ચૂક નથી.
મૂકી એવી હારમાળ
ઈરાદે ફિકર નથી.
ઈરાદો, હેતુ, ઉદ્દેશ એટલે
દરેક વિચાર, ક્રિયા, વર્તન પાછળની ગતિ...
આ ઈરાદાને જ્યારે દ્રઢતા મળે, નિયત જોડાય ત્યારે અમર્યાદ ક્ષમતા ઊગી નીકળે.
ઈરાદો જેટલો સ્પષ્ટ અને શુધ્ધ, એટલી શુભ અનુસરણી...
અમલમાં ચોખ્ખાઈ એ ખેંચી લાવે... અણજાણ અને અજાણને પણ એ શુભહેતુ દેખાઈ આવે, સમજી શકે...
ઈરાદો, જેવો અંદર ઊગે એવો તુરંત વાતાવરણમાં હાજરી મૂકે...ત્યારે હજુ એ વિચાર નથી હોતો. આ વિચાર બને અથવા ક્રિયામાં ઊતરે એ પહેલાની વિધી છે.
જેવો વ્યક્તિ એને સંમતિ આપે અને નિશ્ચિત કરે એટલે એને લગતી જે તે ક્રિયા રૂપ લે.
શુધ્ધ, શુભ, નિષ્ઠસમભાવથી ભરેલાં ઈરાદાને ધરી જીવતો વ્યક્તિ, એની આસપાસ એ વાતાવરણ ઊભુ કરે છે અને હંમેશા એ વાતાવરણ એને વળગીને રહે છે...અરસપરસ...
પછી એનાં વર્તન અને વ્યવહારમાં અહં, ખોટ, શંકા, ખટાશ, ડર, હાર કે ચૂક જેવું કશુંય નિમ્ન રહેતું નથી. એને એની જ દ્રઢતાનો સાથ મળે છે. એક રીતે એજ એનું રક્ષાકવચ બની જાય છે...
વ્યક્તિ જ્યારે આધ્યાત્મની ગતિમાં વિશ્વાસ મૂકી જીવતો થાય છે ત્યારે દિવ્યતત્વોનાં નિશ્ચયો, એને નિયત હેતુઓ બની રહેવામાં સહાય કરતાં રહે છે.
અને વ્યક્તિ, જીવતી ચાલે...
મસ્ત, બેફિકર, પ્રફુલ્લિત,
સુરક્ષિત, આત્મા-નિર્ભર...
- મોરલી પંડ્યા
સપ્ટેમ્બર, ૨૦૧૬
Flower Name: Episcia cupreata
Flame violet
Significance: Will Manifested in Life
Concentrated and precise.
No comments:
Post a Comment