મનનાં ત્રણ ભિન્ન પ્રકાર!
ત્રણેમાં અટવાયો માણ.
એક નહીં તો બીજી જાણ,
ચાલે ખટપટ દિનરાત.
પહેલું જાણો ટકટક તોફાન!
એકનું એક ઘૂંટે સો વાર,
વગર થાકે ચોવીસ કલાક,
સહુથી અઘરું મૌન સંધાન!
બીજું જાણો એષણા અપાર!
એકથી નીકળે બીજી ચાર,
અસંતોષ રુડો એનો સ્વભાવ,
ઠમકારી-ઠપકી કરો શાંત!
ત્રીજું જાણો ભાગતું ભાન!
ન અહીં-તહીં, અટકવું ક્યાંય.
બધું જ ગ્રાહ્ય ને બધું સવાલ.
હ્રદયે ધ્યાન, એક જ ઊપાય!
ત્રણે ભેળા ને દેહ-મતિ-પ્રાણ!
ઓછાં હોય એમ એય જોડાય,
માણસ બિચારો મોરચે સવાર,
અંદર-બહાર, બધે ધમસાણ!
સ્મરણ, ધ્યાન, યોગ ઊપચાર.
અંતરદ્રષ્ટિમાં ખોળીયું ઊજાળ.
અન્ય નહીં સ્વ, અંતર બદલાવ,
'મોરલી', નીરવ સમર્પણ સાથ!
મોટાભાગે ભાષા સંદર્ભ અને એ સંદર્ભની પોતીકી સમજ પર સમજાય, વપરાય અને ફેલાય છે.
શબ્દનો ભાષાકીય અર્થ કદાચ જુદો હોઈ શકે પણ એને સંદર્ભસમજમાં બેસાડી ઊપયોગમાં લેવાતો હોય છે. પછી એ સમૂહસમજ બને છે એટલે સ્વીકૃતી પામે છે.
સામાન્ય સમજમાં મન એટલે,
બુદ્ધિ, ઈચ્છા, ભાવ, મન અને એવું ઘણું કંઈક...
બુદ્ધિ, ઈચ્છા, ભાવ, મન અને એવું ઘણું કંઈક...
બહુ સાહજિક રીતે 'મન' શબ્દ અને સમજનો જુદી જુદી રીતે ઊપયોગ થાય છે. ઘણીવાર અજાણતાં જ એવી સમજ, બોલીનો ભાગ પણ બની જાય છે.
મન એ કોઈ દૈહિક સ્થાન નથી પણ અદ્રષ્ટ સ્તરપ્રદેશ છે જેમાં પેટાપ્રદેશો આવેલાં છે. માનવજીવન અને જાત, એનાં બહુ પ્રભાવમાં હોય છે. વિચાર અને ભાવના આ કોષનાં અંગો છે જેનાં દ્વારા માનવીયજીવનમાં હલનચલન અને આરોહઅવરોહ ઊત્પન્ન કરે છે.
આ મનની ત્રણ ગતિવિધીઓ જે નિરવતાને બાધિત કરે છે. સમય લેવડાવે છે. એનાં નામાનિધાનમાં ન પડતાં, ફક્ત સમજ...
રટતું મન, જે સતત વાગોળે છે. ભૂતકાળની સ્મૃતિઓ. ઘટનાઓને યાદ કરીને ફરી ફરી જીવે છે. ઊધમ મચાવે છે. દરેક ઝીણી ઝીણી વિગતો જકડીને જાણે વગાડ્યા કરે છે.
ઇચ્છતું મન, પ્રાણકોષની ઊત્પન્ન થતી બધી જ ઈચ્છોઓને જરૂરિયાત બનાવી, એની પૂર્તિમાં લાગેલું હોય છે. ત્યાં સંતુષ્ટિ નથી.એક પછી બીજું નીકળ્યા કરે, ચાલ્યા કરે અને વ્યસ્તતા લાવ્યા કરે!
વિશ્લેષતું મન, ઈન્દ્રિયોનું બધું જ નોંધાયેલું ઘર કરે, વર્ગીકરણ કરે અને મંતવ્યનાં ચોસલાંઓ બનાવી એમાં ગોઠવે, બીજાને વહેંચે. એનાથી પોરસાય અને વધુ ને વધુ છણાવટમાં કાર્યરત રહે...
આ બધાની શાંતિ અને સક્રિય નિરવતાનો એક જ સચોટ ઊપાય, સંવાદિત ઈલાજ એટલે સમર્પણ...
- મોરલી પંડ્યા
સપ્ટેમ્બર, ૨૦૧૬
Flower Name: Thevetia peruviana
Yellow oleander, Be-still tree, Lucky nut
Significance: Mind
Its true value depends on its surrender to the Divine.
No comments:
Post a Comment