Thursday, 22 September 2016

અવાજ વગરની શાંતિનાં...


અવાજ વગરની શાંતિનાં પડઘા ચારેપાસ. 
આકાર વગરની શાંતિ પણ પડછાયે ઊજાસ.

ઘાટ વગરની શાંતિનાં પાસા ધારદાર. 
પ્રકાર વગરની શાંતિ પણ પૂરાવા એકહજાર.

ભાવ વગરની શાંતિનાં પ્રભાવ અસરદાર. 
ભેળ વગરની શાંતિ પણ કોલાહલે એકાંત.

વિચાર વગરની શાંતિનાં હૈયે આકાશ. 
ઊચ્ચાર વગરની શાંતિ પણ ગૂંજે ॐ કાર.

ધ્યાન વગરની શાંતિનાં નિતાંત કૃપા જોડાણ. 
મૌન વગરની શાંતિ પણ  નિરવ રણકાર.

ભેખ વગરની શાંતિ પણ મેઘધનુષ અવતાર. 
ખલેલ વગરની શાંતિ ને 'મોરલી' આભારી અપાર.


શાંતિ... 

ઘણાં અર્થ અને સંદર્ભ માટે વપરાતો શબ્દ! સાવ રોજિદા વ્યવહારથી લઈને કશુંક ખરેખર અર્થસભર સુધી... 

એટલે કઈ શાંતિની વાત છે એ એના ઉપયોગ દ્વારાં સમજવાની રહે... 

માનવજીવનના લગભગ દરેક પાસાંને એ શબ્દ અને જે તે પૃષ્ઠભૂ સાથે અડેલો છે. 

એનો અર્થ કે આ એવી શાંતિ છે જે દરેક સ્તર, સમજ,  અસર સાથે સંકળાયેલી છે.  રાહત આપવાનો એનો ગુણધર્મ બધે જ વહેંચાતો રાખે છે.  જ્યાં જેની જેટલી ક્ષમતા,  માન્યતા અને સાચવણી ત્યાં એ પ્રકારે,  એ રૂપે એનો પૂરવઠો પહોંચે... 

ભૌતિક ઉપયોગમાં શાંતિ બાહ્યસંજોગને આધિન હોય અને એટલી જ અપેક્ષિત હોય. એટલે વિનિમયનું ફળ... 


ખરી ખરી શાંતિ એટલે શાંત તત્વ ની પધરામણી... 

એને કોઈ રંગ,  રૂપ,  સ્થાન,  પ્રકાર નથી પણ એની અનુભૂતિ જ એની ઓળખ.... 

સજજડ અનુભૂતિ... 

જેને એનો સ્પર્શ મળ્યો હોય છે એને એના 'હોવાપણા' માટે પ્રશ્ન નથી. 

એક સઘન નિશ્ચિતતા અને એની નિશ્ચિંતતા હોય છે,  જીવનનાં દરેક પાસાં પરત્વે... 


જાણે અભિગમ જ બદલાઇ ગયો હોય છે. બધું જ એ ઘટ્ટ સફેદીમાં સમાઈ ગયું હોય છે.  

નિર્લેપ છતાં દરકારથી ભરેલું... 
સ્વસ્થ છતાં તત્પર હૈયું... 
પ્રશ્નો કરતાં ઊત્તરોમાં રચ્યુંપચ્યું... 
દરેક સંપર્કને એ સફેદી ઓઢાડતું... 
જ્યાં જ્યાં સ્પર્શ ત્યાં સાચી ઓળખ મૂકતું... 

જે જાણવા ને લાયક બની શકે છે,  પ્રભુકૃપાથી પસંદ થાય છે એને એના અદર્શનીય આયામો સમજાય છે. 

સમજાય છે કે બુદ્ધિની ક્ષમતા અને મનની કલ્પના કેટલા મર્યાદિત છે.  

માણસ સર્વોપરિતાની હોડમાં ભાગ્યો જાય છે.  

શાંતિથી દૂર,  શાંતિની શોધમાં... 

ॐ શાંતિ:  ॐ શાંતિ:  ॐ શાંતિ: 

- મોરલી પંડ્યા
સપ્ટેમ્બર, ૨૦૧૬

Flower Name: Curcuma zedoaria
Zedoary, Turmeric
Significance: Peace
Peace is a deep quietude where no disturbance can come- a quietude with a sense of established security and release.
Calm and tranquil, an unfailing smile.

No comments:

Post a Comment