Wednesday, 28 September 2016

ભૂતકાળ... ઈતિહાસ...


ખરો વિષય હેતુ! ખરો વિરોધાભાસ! 
શાણો થઈ સમજ તું, બન્ને યોગ્ય પ્રયાસ!

ભૂતકાળ ભૂલવા કીધો, 
ધરામાં પધરાવી દેવો, 
ને છતાં જીવતો રાખ્યો
ઈતિહાસ નામે ઓળખાવ્યો?

ગત મૂકી પળમાં જીવો, 
ભૂલ ભૂલી, શીખ પામો, 
ને છતાં એવા સ્તરે રાખ્યો 
ઈતિહાસ પાને જડી,  છાપ્યો!

જીવી લીધું,  છૂટ્યો છેડો, 
જીવાઈ ગયું,  મૂકો પૂળો
ને છતાં વિષય બનાવ્યો  
ઈતિહાસ કહી જીવંત રાખ્યો!

શાને એ મૂળમુદ્દો દીધો, 
જણ જણ ને ઝઝૂમતો કર્યો, 
ને છતાં કહ્યું ચેતતા રહેજો? 
ઈતિહાસમાં ભૂતકાળ ઊછેર્યો!

એક સમય કાળ, બીજુ સમય પ્રમાણ! 
બંને જરૂરી'મોરલી', સમજ તું શીખ સમાન!

પ્રભુ... પ્રભુ...


સંદર્ભ સરખાં,  
સમય ઊદ્ગમ સ્થાન,
છતાં એકને જવા દેવામાં
ને બીજાને રાખવામાં મજા!

બંને વિગતની વાત!
એક વિતેલી ગતિ ને એક વિતેલા સમયનાં પરિણામની વાત...

સંસારનું શાણપણ કહે છે કે ભૂતકાળને સરકી જવા દેવો એમાં જ ડહાપણ છે.

સંસારની સમજણ કહે છે કે ખાસિયત સાથે જીવાયેલાં ભૂતકાળને ઈતિહાસમાં ગૂંથી લેઈએ તો એ પેઢીઓ માટે શિખામણ છે.


તટસ્થ દ્રષ્ટિએ જોતાં બંને એક સમયે જીવાયેલાં સમયો છે. 

એકમાં વ્યક્તિ પોતે છે ને બીજામાં બીજું ઘણું કંઈક!

મુદ્દો છે એક જડમૂળથી ભૂલવું ને બીજું ઉદ્દેશપૂર્વક જાળવવું.

કેવી કરામત છે!
સમજની કેવી ભેદરેખા છે!
પૂરાવાઓની કેવી દોરવણી છે! 
માનવજીવન સાથે સમય સમયની કેવી ગૂંથણી છે...


સમયે જ એક સમયને સ્વીકાર્યો છે અને બીજા સમયને જાકારો આપ્યો છે.

માણસ તો બસ,  આ ચાલતાં સમયમાં,  જે તે સમયે શીખવેલાં સરવાળા-બાદબાકીમાં પોતાનો જ સમય જતો જોઈ રહે છે. 

વ્યક્તિ, જો સમયને અતિક્રમી જાય તો તો નવું ગણિત મંડાય...
ત્રણે કાળને પચાવી  વિષયોને પણ સાધી શકે...

નહીંતર,

સમય સમય બળવાન...

પ્રણામ...

- મોરલી પંડ્યા
સપ્ટેમ્બર, ૨૦૧


Flower Name: Myosotis sylvatica
Garden forget-me-not
Significance: Lasting Remembrance
The remembrance of that which has helped the being to progress.

No comments:

Post a Comment