હે વિચારતત્વ, તું જગાડ!
અબજો અદ્રશ્ય વિચાર, રજવાડાં ને મન વાડ,
મનગમતાં હાજર પ્રકાર, તું મનપ્રદેશ
ઊજાળ...
ઊજાળ...
મન માન્યાં લાખ, તમસ, તૃપ્ણા ને તણાવ,
સબળ નક્કર પ્રમાણ, તું ઊદ્દીપક તેજ ઊતાર...
પ્રવર્તે આસપાસ, અગણિત, નિષ્ઠુર, નિષ્પ્રાણ,
ઠાર વૃત્તિ સપ્રમાણ, તું તૃપ્ત દશા
સ્ફૂરાવ...
સ્ફૂરાવ...
એક એક જાગતો બેધ્યાન, નરભક્ષતો ખોરાક,
સાક્ષીભાવ જવાબ, તું મહત્વ ધૈર્ય
સમજાવ...
સમજાવ...
અંશ પુરુષોત્તમ પ્રભાવ, તું પોષણ માનવજાત
ઊત્તમ સ્વરૂપે તું પધાર, હે જાગ્રત તત્વપ્રકાશ!
પ્રભુરૂપવિચારતત્વ... 'મોરલી' નમન...
વિચાર એટલે મનોજગતનું વાહન, પરિવહન અને હવન...
વિચારના જ કારણે મનોમયકોષ જગત ધરી શકે.
ફક્ત વિચારમાં માનતો વ્યક્તિ એટલે મનપુરૂષનો સ્વામી...
વિચારોને જ દુનિયાના આરંભઅંત માનનારાઓનો તોટો નથી. એમને વિચાર પછી અને વિચાર પહેલાં, વિચાર છે એટલે વિચાર જ સમજ, સ્મરણ અને સંદર્ભ છે. સર્વોપરી સત્ય પણ એ જ છે. અને આ જ સત્ય છે. એ સિવાયનું બધું ભ્રમ છે.
વિચારોની પેદાશ બુદ્ધિ નથી, મનપ્રદેશ છે. વ્યક્તિ પ્રકૃતિગત અને પ્રકૃતિવશ, ઈચ્છાઓને જરૂરિયાત માની ઘડતર આપ્યા કરે છે. એ જ બધાં વાતાવરણામા ઘૂમતા રહે છે. જ્યાં આવકાર મળે ત્યાં ઘર કરી લે છે. વ્યક્તિ માને છે કે વિચારથી જ ધારદાર નિષ્કર્ષો એ લાવી શકે છે. કેટલેક અંશે આમાં તથ્ય પણ છે, પ્રશ્ન છે પસંદગી અને પ્રાથમિકતાનો!
વ્યક્તિ માધ્યમ તરીકે ( માનીએ કે ફગાવી દઈએ, આપણે બધાંજ એ જ કરી રહ્યા છીએ, ફક્ત સભાન નથી) શેને અગ્રતામાં મૂકે છે એ પ્રમાણે એ તત્વોને આકર્ષે છે અને પૃથ્વી સ્તર પર મૂકે છે અથવા મજબૂત બનાવે છે.
દરેક પૃષ્ઠભૂમાં પ્રભૂતા અને દિવ્યતા રહેલી છે માટે વિચારતત્વમાં પણ...
એણે એના મૂળઅંશે, દિવ્યસત્ય વિચારરૂપે પ્રગટ થતા રહી, માનવજાતનાં માર્ગદર્શક બનવાની વાત છે.
એક સ્તર ઊર્ધ્વે વધી, વિચારતત્વ પોતે જ માધ્યમ બને કે;
જ્યાં સુધી મનુષ્યો એવાં શુધ્ધ વિચારસ્વરૂપોને આવકારવા અને ઝીલવા સક્ષમ થાય...
પોતાનાં શક્તિ અને દક્ષતા મૂકતાં રહે, કે મનુષ્યો અણસમજમાં પણ એનું વહન કરતાં થઈ જાય!
પ્રભુરૂપવિચારતત્વ... પ્રણામ...
- મોરલી પંડ્યા
સપ્ટેમ્બર, ૨૦૧૬
Flower Name: Ipomoea horsfalliae, Princess vine
Significance: Heroic Thought
To the conquest of the unknown without fear of difficulty or incomprehension.
No comments:
Post a Comment