મા...
તવ આગમને ઊજળી નવરાત્રી,
અખંડજ્યોત ગ્રસે રાવણી મનમતિ...
નવવર્ષ એંધાણ દેતી, નવપ્રકાશી,
અંધાર્યા, અણધાર્યા ચીરશે નવદ્રષ્ટિ...
નવજોમ દેતી, ઊતરશે નવઊર્જિત,
પડળો પાંખા વિંધશે આરપાર લક્ષ્યી...
નવસ્વપ્ન દેતી, ઊઠશે નવજાગૃતિ,
હામ, ધ્યાન ધરી, મૂકશે પૃથ્વી ભરી...
નવજ્ઞાન દેતી, ઊડશે નવ-ભાનપંખી,
સુદ્રઢ ચિત્તપાંખે , ભરશે ઉડાન ગગની...
નવપલ્લિત નવરૂપી ઊજ્જવળભાવિ,
'મોરલી' વિશિષ્ટ શક્તિ મૂકે મા દશહરી...
વર્ષે વર્ષે તહેવારોનું આગમન કંઈક સૂચવી જાય છે. સંસ્કાર, આનંદ અને ઊજવણી સાથે સૂચક સંદેશ લઈ આવે છે. મોટાભાગનાં ઉત્સવો, આત્મમંથનનું કારણ બની શકે.
નવરાત્રિને અંતે વિજયાદશમી, અસૂર પર વિજય સંદેશ યાદ કરાવી જાય છે.
દરેકની અંદર નાનામોટા, છૂટાછવાયા, વિખરાયેલા રાવણ-અંશો સુધી પહોંચવાનું સંભારણું લઈને આવે છે.
એ સમયે, હવે વિદાય લઈ લીધી છે જ્યારે પ્રશ્નોનાં હલ બહાર હતાં, સંજોગોમાં અને અન્યોમાં શોધતા હતાં અને સામાજિક, વ્યયક્તિક સ્વીકૃતી પામતાં.
આજનાં સંદર્ભમાં દરેક વ્યક્તિ(મન)સ્વરૂપ છે. ફક્ત એની સભાનતા ઓછી વધતી છે.
અથવા હું એવું કહું કે, એ સભાનતામાં જાગ્રત થવું એ પણ જે તે વ્યક્તિ-પસંદ બની રહી છે, જરૂર મનુષ્ય પહોંચ સુધી જ એ શક્ય છે છતાં એ સમજનો અમલ, આજની હકીકત છે.
દરેકની અંદર મા દુર્ગા અને રાવણનાં અંશો જીવંત છે. મન-પ્રધાન વ્યક્તિ, ઈચ્છાઓને આધારે એમને આગળ-પાછળ ધકેલ્યા કરે છે.
એમાં સ્થાયી સભાનતા નથી અને એનાં યોગ્ય પ્રભાવ બાબતે દરકાર પણ નથી.
એટલે જ આજનો માણસ અટવાયેલો છે, આ કે તે પસંદમાં જ મોટાભાગની ઊર્જા ખર્ચી નાખે છે.
જન્મનો, જીવનનો, ઉદ્દેશ જીવતરનાં સમીકરણોમાં જ ભૂંસી નાખે છે.
મંદિરોમાં ભોગ-દાન ચડાવવામાં અંતરઆત્મા ખાલી કરી નાખે છે અને આવતા વર્ષ માટે રાવણને જીવતો રાખતો રહે છે...
નવ રાત્રિ પણ, જો આત્મમંથનમાં જાત સાથે રમીએને તો પણ રોજ પ્રભુપ્રસાદીને પાત્ર બની શકીએ...!
શરૂઆત કરવાની છે પછી તો આંતરિક સૌંદર્ય જ અસ્તિત્વમાં બહાર-અંદર, ચારેબાજુ ઘૂમી વળશે...
એ જ વહેશે ને વ્યક્ત થશે ને બની રહેશે...
મા જગદંબા... મા ભગવતી... વંદન...
પ્રણામ...
- મોરલી પંડ્યા
ઓક્ટોબર, ૨૦૧૬
Flower Name: Hibiscus Hawaiian
Significance: Power of Spiritual Beauty (Spiritual beauty of Auroville)
Spiritual beauty has a contagious power.
No comments:
Post a Comment