Monday, 3 October 2016

તમે જ તમ દ્વારા...


પ્રભુ,

કંઈ કેટલુંય કહેવાનું કહી રહ્યા છો. 
ધોધ થઈ અવિરત પડી રહ્યા છો.

ઝીલવાનું કરણ બની રહ્યા છો. 
પચાવીને ધારણ ધરી રહ્યા છો.

અજવાળું સૂર્યનું વહેંચી રહ્યા છો. 
ધરતી રૂપે એને જ ગ્રસી રહ્યા છો.

સેંકડો મન થઈ સમજી રહ્યા છો. 
હ્રદયોનાં દ્વાર ખોલી ઊતરી રહ્યા છો.

જણોનાં જીવનને જોડી રહ્યાં છો.
એક તાંતણે પૃથ્વી પરોવી રહ્યા છો.

પંચમહાભૂતને વીંધી રહ્યા છો. 
બ્રહ્માંડને ધરતી પર સ્થાપી રહ્યા છો.

એક સેતુ આરોહણનો જીવાડી રહ્યા છો. 
અવરોહણની વિધીને ઝીલી રહ્યા છો.

તમે જ તમ દ્વારા વહેંચાઈ રહ્યા છો. 
તમારાંમાં જ 'મોરલી' શ્વસી રહ્યા છો.

પ્રભુ,  સાભાર પ્રણામ...


એક ક્ષણમાં શું શું થતું હશે... કંઈ કેટલુંય! 
જાત જાતનું,  જુદું જુદું,  જ્યાં ત્યાં... કંઈકનું કંઈક,  સતત,  અનંત...

આ અનંતની પણ ગજબ અનુભૂતિ હોય છે. જે જે કંઈ થઈ રહ્યું હોય છે,  એ બધું જ થઈ રહ્યું છે એની સભાનતા... એ સભાનતા વળી એ પણ સમજાવે,  જતાવે કે કેટલું ક્યાં શું શેનાથી....

બધા પ્રશ્નોનો સરવાળો એ અનંત પરિચયમાં સમાઈ જાય. 

અંદર જડાઈ જાય કે આટલી વિવિધતા,  એક સાથે,  સાથોસાથ,  અલગ સંદર્ભોમાં,  વિભિન્ન માધ્યમો દ્વારા,  થવું,  થતું રહેવું એ ફક્ત પરમ પ્રમાણ જ કરી શકે.

ફક્ત એક જગ્યાએ નહીં પણ અનેકમાં,  અનંતતામાં,  આમાં અને પેલાંમાં પણ...

સર્વસ્વ,  સમસ્ત,  સર્વાંગ સંપૂર્ણ પરમ આત્માનો જ પ્રભાવ...

અરે! આ તો એનો  સ્વભાવ... સજહ,  સરળ છતાં અકળ...


વિલક્ષણતા જુઓ...

અનંતની અનુભૂતિ પણ અનુભવ તો વ્યક્તિમાં જ...

દેહ છે તો આ સમજને પણ ઠેકાણું છે.  ભાવને પણ સરનામુ છે.  વર્તન ને વ્યવહારનું ઓળખ-પાનું છે.

અને છતાં દેહ કંઈ જ નથી. કણોની ગોઠવણ માત્ર. એ ગોઠવણનોય સ્વભાવ ને પછી એ જ રીતે ચાલે આગળ...

પ્રણામ પ્રભુ... ખૂબ ખૂબ ધન્યવાદ...

- મોરલી પંડ્યા
ઓક્ટોબર, ૨૦૧૬

Flower Name: Cocos nucifera
Coconut
Significance: Multitude
Gives itself freely and satisfies innumerable needs.

No comments:

Post a Comment