Monday, 24 October 2016

ભરચક છેડેથી છેડે...


નથી રહેવું રમમાણ હવે
વાત વર્તુળ વર્તાવ મધ્યે
અલગારી-અલગાવ બંને
ડૂબવું શાને એકે ય છેડે?

નથી એવું ઝાઝુ ખેંચે
ધન ધ્યાન દાન સહેજે
પત્યેક એક અંત વહોરે
મીટવું શાને ભૌતિક છેડે?

નથી રહેતું બાકી એમેય
લેવું દેવું સમારવું કંઈયે
પત્યો હિસાબ ભવનો સઘળે
ખાલી શાને? 'મોરલી' ભરચક છેડેથી છેડે...


જીવન આમ તો આત્માની ગતિને બદ્ધ છે.

મન, પ્રાણ, શરીરની શક્તિઓ અને તત્વો એમાં જોડાય. એને વળાંકો અને ચડ-ઊતર આપે.

જેટલાં એ ત્રણની દોરવાઈ જીવનશૈલી એટલી વધુ લાંબી અને સફર અટપટી.

અગત્યનું છે, આ અવરજવરમાં આત્મસ્થ થવું. 

ન ખેંચાણ કે ન ત્યાગ સાથે... 
ન ઊંડા ઊતરવું કે ન ભાગવું... 
ન મય થવું કે ન ભય લાગવું... 
ન ઓતપ્રોત કે ન ભાસ...


ખાલી થવાનું છે પણ ખોખું નહી, 
પાંગળું, પોકળ અને પોલું નહીં.

આ ખાલીપામાં રાજીપો છે. 
હરિનો હરખ છે. અને એટલે,  
એ બાંધતો નથી પણ બધાએ હિસાબો ચોખ્ખા કરી ભવને બ્રહ્મની ગતિમાં મૂકી દે છે.

અહીં ભૌતિકતા; 
બંધન નથી કે બાધ નથી. 
બાંધતી નથી કે બંધાતી નથી.

દિવ્યતા ઓઢેલાં આત્માનાં સામ્રાજ્યમાં છેકથી છેક સભર છે.

જર-અજર બધું જ રસપ્રદ છે...  
સંપૂર્ણ સમગ્રમય છે... 
આ જ છે ને અહીં જ છે... 
હું જ છે, ને એ જ છે...
હું એ જ છે... 

तत् त्वम् असि... तत्त्वमसि...

પ્રણામ...

- મોરલી પંડ્યા
ઓક્ટોબર, ૨૦૧૬

Flower Name: Plumeria rubra
Frangipani, Temple tree, Nosegay, West Indian jasmine, Pagoda tree
Significance: FULFILMENT
Perfection on the way to Fulfilment
The state of those who take up the Yoga seriously.

No comments:

Post a Comment