Saturday, 22 October 2016

પરોઢી સૂર્ય...


પરોઢી સૂર્ય, આભામાં વીંટાતો, 
શાતા દેતી જાણે અગનજ્વાળો,
આભેથી ઝૂક્યો સ્ત્રોત કેસરિયો,  
કુદરત ઊજવે રાત્રિનો જાકારો...

નવદિન આગમનને વધામણો,
પંખીઓના કલરવે માંડ્યો દેકારો, 
પૂરતો એકમેકને દેવા પુરાવો, 
શહેરે ઓઢ્યો જાણે રાતો માંડવો...

જગાવે દર પ્રભાત નીત નોખો, 
હૈયે નવીન આશ-હામનો દરિયો, 
જોમ ભરે શ્વાસોમાં ચોખ્ખોતાજો, 
જીવનશક્તિનો 'મોરલી' પ્રતાપ જબરો!


અહીં જ જીવન છે,
હા,
એ ખુલતી પરોઢની ભીનાશમાં...
એની તાજગીની હળવી લહેરખીમાં...
પોહ ફાટતી દિશાઓમાં...
રંગ રંગ આકાશી વિસ્તારમાં...
કુદરતની અફાટ મીટમાં...

રાત્રિ તો છે જ.
જીવજીવન પણ નિદ્રાધીન થાય છે ત્યારે...
કેટલાક જીવોએ વિજય લીધો છે એની ઊપર!
અંધકારને સ્વપ્નગ્રસ્ત કરી એક પ્રકારનો જયઘોષ જ સ્થાપિત કર્યો છે માણસે...
એનેય પરિવર્તિત કરી દીધો છે,  ગતદિનનાં અંતમાં...

આખી પ્રકૃતિ જાણે ખોવાઈને પોતાની જ ઓળખમાં નીકળે છે.

દર પ્રભાત એની તાજી શોધ બનીને શિરપાવ આપવા તૈયાર હોય છે...

નવો ઉત્સાહ,  નવ સર્જન,  નવીન ઊર્જાસભર સમગ્ર જીવન સૂર્યનાં દર્શનને વધાવી લે છે. એને મહત્વ આપી મહત્તા વધારે છે.



એ જ તો રસ્તો છે જીવન પાસે, નિશાકાળને સંદેશો આપવાનો...

જા તિમિર, આવ-જા કર!
અમે તો સૂર્યવાહક છીએ અને કાળરાત્રિનાં તટસ્થ દર્શક!

સર્વ અમને પાચ્ય છે કારણ અમે પ્રકાશદ્યોતક છીએ અને બધું જ અહીં ઉદ્દીપક...

તને પણ પ્રગટાવીશું આંતરજ્યોતથી...

ગતિચક્રમાં તું પણ અને હું પણ...
તું તારાં ઉદ્દેશે, હું દિવ્યકારણે...

સાથ સાથે પણ તારા પ્રભાવે નહીં...
જીવન તો ફક્ત સૂર્ય-અજવાળે જ...

પ્રણામ...

- મોરલી પંડ્યા
ઓક્ટોબર, ૨૦૧૬

Flower Name: Dendranthema Xgrandiflorum [Chrysanthemum Xmorifolium]
Florists' chrysanthemum
Significance: Life Energy in the Material 

No comments:

Post a Comment