Saturday, 29 October 2016

દિપાવલી તિમીરને...


આજ અમાવસ્યાને તું સજાવે, 
દીપે દીપે સૂર્યશક્તિ પ્રગટાવે.

દિપાવલી  તિમીરને વધાવે, 
દિન દીપજ્યોતે તું જ ઊજાળે.

ઉત્સવ, અંધરાત્રિનો ઊજવાવે, 
તેજપુંજ ધરી તું જ શણગારે.

તારો જ પ્રતાપ, દિવ્ય પ્રકાશે, 
મા, શ્વાસે શ્વાસે આશ જગાવે. 

હે જગતજનની, સંજીવની હે! 
નિશાધાત્રી તું જ, તેજસ્વીની હે...

'મોરલી' શત શત નમન... મા!


આ ભારતવર્ષ છે. 
અહીં અંધકારનો પણ પર્વ હોય છે. 
એની ઉજવણીમાં જ એનો ઊજાસ પણ હોય છે.

કંઈક જિંદગીઓનાં કંઈ કેટલાય અંધકારો આ દિપાવલીની રાતે ઓગળતાં હશે.

માનવ હ્રદયની આસ્થા અને શક્તિ પ્રત્યેનો ભક્તિભાવ, અસંખ્ય ઊચ્છ્વાસોમાં, કંઈક કેટલાય નવાં શ્વાસો રોપાતાં હશે.

ઊત્સવનાં આગમન અને ઉજવણી, કોઈ કેટલાય પરિવારો અને સંબંધોમાં પ્રકાશની પધરામણી કરાવતાં હશે.

સંવાદિતાનું સામ્રાજ્ય પૃથ્વીપટને આમ જ સ્પર્શતું અને એમાં સ્થાયી થતું હશે.


દિવ્યશક્તિનાં ચારેય સ્વરૂપો,  દિપાવલીની ઊજવણીમાં વણાયાં છે અને એટલે સમસ્ત પ્રદેશ એનું મહત્વ માને છે. એને વધાવે છે અને એમની કૃપાશક્તિને પૃથ્વી પર વધુ સુદ્રઢ બનાવે છે.

અમાવસ્યા પણ નાનાં નાનાં દીવડાંઓ સામે હારવાનું પસંદ કરે છે અને મનુષ્યને જતાવે છે કે તારાં ઊદ્ધારમાં હું સાથે છું. આપણે બંને સાથ સાથે પ્રકાશને ફરજ પાડીશું, અવતરવા માટે...

અમાસરાત્રિને દીપ પ્રાગટ્યમાં પલટાવનારી દિવ્યશક્તિસ્વરૂપા જ હોઈ શકે.

આ સ્તરે પ્રભુની લીલા નહીં, પ્રભુની દિવ્ય- નિર્મીતશક્તિ જ હોઈ શકે...

શુભ દિપાવલી...

પ્રણામ...

- મોરલી પંડ્યા
ઓક્ટોબર, ૨૦૧૬

Flower Name: Ixora javanica [Ixora singaporensis]
Common red ixora, Javanese ixora
Significance: Aspiration in Physical for the Supramental Light
Clustered, persistent, obstinate, organised, methodical. 
Light is not knowledge but the illumination that comes from above and liberates the being from obscurity and darkness


No comments:

Post a Comment