હ્રદયે કૃષ્ણવાણી પ્રગટે
અસ્તિત્વ તરબતર, છલકે
ગીતા, વેદ, પુરાણ શાને
નર્યા પઠન, બુદ્ધિ જ ભરે.
જ્ઞાન; બોદું-ઠાલું તો ઠગે,
જો વિહીન, કૃષ્ણ ભાવે.
પણ અવતરે પિપાસુ હૈયે
પછી, સર્વત્ર હરિ સ્મરે.
ઊષ્ણ ઊરને મતિ સહકારે,
કૃષ્ણકાર્ય પ્રસ્થાન માંડે.
કર્તવ્યકર્મ ને જીવતરે 'મોરલી',
કૃષ્ણકૃપા જીવન ઊપાડે.
જ્ઞાન આવી મળવું...
વાંચન દ્વારા માહિતી ભેગી કરવી અને
મન પાર પ્રદેશોથી ઊતરી આવી હ્રદયમાં સ્ફૂરણા રૂપે પ્રગટ થવી...
બુદ્ધિને સ્ત્રોત બનાવવી અને
અવતરણને બુદ્ધિમાં ઠારવું...
ફરક છે બન્ને અવસ્થાઓમાં.
બન્નેનાં મૂળભૂત ઈરાદામાં, સંદર્ભમાં...
પહેલાંમાં ફક્ત બુદ્ધિ વિકસે છે અને
બીજામાં અસ્તિત્વ...
બુદ્ધિ એટલે અસ્તિત્વનું નાનું શું પ્યાદું!
જ્યારે અસ્તિત્વ વિકાસની વાત હોય ત્યારે એ આધારની ક્ષમતાનાં વિકાસની હોય.
જ્ઞાન જ્યારે બુદ્ધિમાં જાય ત્યારે હજી પોથીનું જ હોય છે એને અમલમાં મૂકવા માટે હ્રદય અને મનોબળની જરૂર રહે છે. એટલે કે હજી એ વ્યક્તિત્વનો હિસ્સો બન્યું હોય છે પણ વ્યક્તિગત નહીં.
જ્ઞાનને અમલ કે વર્તન બનવાં પોતાનાં જ પ્રભાવની જરૂર રહે છે અને વ્યક્તિનાં પોતાનાં સમર્થનની...
જ્યાં સુધી જ્ઞાન વ્યવહારની ધાર પર નથી ચમકતું ત્યાં સુધી એ ફકત શબ્દો કે ખોખલી સમજ છે.
આત્મજ્ઞાન એ સઘન અને વર્તનશીલ હોય છે. સમીકરણો અને આવરણોની વિશુધ્ધિ લઈને આવ્યું હોય છે.
ભીતરે,
કશુંક અનુભવીને નકાર્યું હોય છે,
કશુંક રૂડું, આમંત્રાયું હોય છે,
જેનાં પરિણામરૂપ ઊર્ધ્વેથી જ્ઞાનવર્ષા થઈ હોય છે.
એમાં અસ્તિત્વ આખાની સંમતિ અને ગ્રહણશીલતા હોય છે એટલે જ એ પોથીઓ કરતાં સબળ દર્શક અને રક્ષક હોય છે. એ સાથે સાથે બુદ્ધિ, મન અને હ્રદયને પણ સહજ સંમત બનાવી શકે છે.
એકવાર આ માર્ગ અને માધ્યમ હાથવગા, પછી દર ગ્રંથ ને સત્યવચન પણ સાધ્ય...
પ્રણામ...
- મોરલી પંડ્યા
માર્ચ, ૨૦૧૭
Flower Name: Plumbago auriculata
Cape leadwort
Significance: Krishna's Ananda
Manifold, abundant and so full of charm.
No comments:
Post a Comment