સત્ય, તું...
સર્વસ્વ છું સમસ્ત છું
શાને આટલું મર્ત્ય છું?
સમર્થ છું સતર્ક છું
શાને જીવતું, અર્ધ છું?
અફર છું અમર છું
શાને રુંધતું જૂઠ છું?
અજર છું અક્ષર છું
શાને પલટતું રૂપ છું?
સમગ્ર છું સ્વતંત્ર છું
શાને મન નિર્ભર છું?
સર્વજ્ઞ છું સ્વતેજ છું
શાને પ્રવર્તે ભ્રમ છું?
'મોરલી', હું...
પ્રભુ ઘડ્યું બ્રહ્માંડ સમુ
અપક્ષાપક્ષ નરસિંહ શું!
સર્વોચ્ચ તત્વ-વૃત તણું,
તટસ્થ છું અખંડ છું.
અજેય છું અભિન્ન છું.
હું બહુર્મુખી સત્ય છું.
પ્રશ્નો સત્ય પ્રત્યે નથી પણ મનથી સમજાતાં સત્યઅસ્તિત્વને છે.
શાશ્વત સત્યને પણ પાર્થિવતા સ્પર્શે ત્યારે અર્ધ, જૂઠ કે ચહેરા ધરીને રહેવું પડે છે. એની સતતાને સાશંક થતી જોવી પડે છે. પોતાનાં જ ગર્ભનાં ઘડેલાં, ગર્ભજનોને પોતાની જ સમસ્તતાનાં પ્રમાણ આપવાનાં રહે છે.
શું પૃથ્વી તત્વ આટલું વિભાજન પર્યંત ને પ્રિય છે કે સત્યનું વિશ્લેષણ સમજથી થાય અને બહુલક્ષી આયામોને એક શબ્દમાં સમાવવાની જહેમત થાય?
સત્ય પણ મલકે...
આમ મનની સમજથી સમજવા મથતાં એનાં નાનાશાં રૂપની છણાંવટ જોઈને...
આ સ્તરે તો કલ્પના, છબી કે વ્યાખ્યા જ હોઈ શકે ને!
પૂર્વે પ્રસ્તુતમાંથી...
સત્યને ક્યાં કોઈ શણગાર જોઈએ
ઘાટ ઘડામણ કે પહેરનાર જોઈએ
સત્યને ક્યાં કોઈ કિરદાર જોઈએ.
વ્યક્તવ્ય ભૂમિકા કે રચના જોઈએ.
વ્યક્તવ્ય ભૂમિકા કે રચના જોઈએ.
સત્યને ક્યાં કોઈ ઓળખાણ જોઈએ.
નામ ધામ કામ કે પ્રચાર જોઈએ.
નામ ધામ કામ કે પ્રચાર જોઈએ.
સત્યને ક્યાં કોઈ કોટવાળ જોઈએ.
રખવાળી સતતા કે પારખાં જોઈએ
રખવાળી સતતા કે પારખાં જોઈએ
સત્યને ક્યાં કોઈ બાંધ-પાળ જોઈએ.
પ્રહર, પ્રહાર કે પહેરેદાર જોઈએ.
પ્રહર, પ્રહાર કે પહેરેદાર જોઈએ.
સત્યને ક્યાં કોઈ તર્કવિતર્ક જોઈએ.
સીમાડા, વિદ્વત્તા કે સરવાળા જોઈએ.
સીમાડા, વિદ્વત્તા કે સરવાળા જોઈએ.
ખુલ્લું, ઊનું, 'મોરલી', સાચકલું જોઈએ.
દિવ્યસંગી દિવ્યરંગી પ્રભુબાળ જોઈએ.
દિવ્યસંગી દિવ્યરંગી પ્રભુબાળ જોઈએ.
*માર્ચ, ૨૦૧૬
નક્કર સત્યોમાં કદી ડાઘ નથી હોતાં.
સતસમજને પારખાં નથી જોઈતાં.
બંધ ભીતરથી સત્યો નથી આકર્ષાતાં.
કોરા શ્વાસમાં સત નથી ઊછરતાં.
કામનાને રસ્તે સત્યો નથી સમજાતાં.
અશુદ્ધ અંતરે સત નથી ઊકલતાં.
કુમળાં જીગરમાં સત્યો નથી ઝીલાતાં.
પક્વ હામ વગર સત નથી પાકતાં.
ઈન્દ્રિયખેંચપકડમાં સત્યો નથી શોષાતાં.
મનોત્સર્ગ વિના સત નથી પકડાતાં.
મનોત્સર્ગ વિના સત નથી પકડાતાં.
અભિપ્સા વગર સત્યો નથી ઊતરતાં.
અંતઃદ્રાર ખુલે પછી નથી રોકાતાં.
અંતઃદ્રાર ખુલે પછી નથી રોકાતાં.
શાંતિ કરુણા વગર સત્યો નથી સધાતાં.
'મોરલી' પ્રભુકૃપા વગર નથી જીરવાતાં.
'મોરલી' પ્રભુકૃપા વગર નથી જીરવાતાં.
*સપ્ટેમ્બર, ૨૦૧૫
આતે કેવી સત્યગતિ!
સંતોષ નથી, ત્યાં અધૂરપ નહીં!
પણ સત્ય-પ્રગટ સાથે, ધીરજની ગતિ!
સંપુર્ણતા નથી, ત્યાં અપૂર્ણતા નહીં!
પણ સત્ય-ધારણ સાથે, સાભાર-સમર્પણની ગતિ!
પ્રભુ-પ્રેમ નથી, ત્યાં ફક્ત સ્થૂળ-જીવન નહીં!
પણ સત્ય-જીવન સાથે, નિષ્ઠાની ગતિ!
સાતત્ય નથી, ત્યાં વાકકુવત નહીં!
પણ સત્ય વાણી-ઉચ્ચાર-ઉદ્ગાર સાથે, સામર્થ્ય ની ગતિ!
અસ્તિત્વ-પ્રકાશમય નથી, ત્યાં અંધકારમાં ડૂબેલ નહીં!
પણ સત્ય-અંશ ઉગવા સાથે, પરમ પર વિશ્વાસ ની ગતિ!
સક્ષમ-સમજ નથી, ત્યાં અણસમજ નહીં!
પણ સત્ય-દ્રષ્ટિ સાથે, પરખ-પારખી કેળવણીની ગતિ!
જ્યાં સમસ્ત સમાયેલ નથી, ત્યાં ફક્ત વ્યક્તિ સ્વરૂપ નહીં ‘મોરલી’!
પણ સત્ય-અવતરણના અવકાશ સાથે,
એની યોગ્યતા-પાત્રતા એ પણ સત્યગતિ જ!…
*ફેબ્રુઆરી ૧૫, ૨૦૧૪
હકીકતે,
પરમતત્વ એ જ સત્ય છે.
પરમાત્માની, સ્થિતી કે સર્જન કે અભિવ્યક્તિ એ આ સત્યના માધ્યમ અને વહનને કારણે છે.
જેને ખરા રૂપે જાણવા પણ પરમોચ્ચ અવસ્થાએ પહોંચવું રહે.
સમજ સ્તરની પાર, ફક્ત અનુભૂતિ...
પ્રણામ...
- મોરલી પંડ્યા
માર્ચ,૨૦૧૭
Flower Name: Tecomaria capensis
Cape honeysuckle
Significance: Power of Truth in the Subconscient
It can act only when sincerity is perfect.
No comments:
Post a Comment