મારો પ્રભુ,
કદી કોઈ હિસાબ ન માંડે,
મીણ શું કવચ ચડાવે,
અસ્તિત્વ સુરક્ષિત ઊજાળે...
ગતકર્મોને શુદ્ધ ઓગાળે,
કર્તવ્યકર્મમાં ઝબોળે,
ભાવિફળતટસ્થ બનાવે...
કરુણાકર કરુણા ઊભરાવે,
પરિવર્તિત પ્રકાશ સ્થાપે,
વાતાવરણને દિવ્યતા આપે...
સમર્પિત સર્વ સથવારે,
અભીપ્સુ સંનિષ્ઠ ઈરાદે,
સાધક-સાધના-સાધન રૂપ ધરે...
'મોરલી', શતશત વંદે...
અહીં કોઈ હિસાબો નથી...
પાપ કે પૂણ્ય,
દોષ કે પ્રદોષ,
સ્વર્ગ કે નર્ક,
એવી કોઈ ગણતરી સાથેનાં હિસાબો નથી.
કર્મફળ છે ને સાથે ચેતનાસ્તર છે.
સ્વીકાર અને અમલ શેનો અને કયા ઈરાદા, ભાવથી થયો છે એ કેન્દ્ર સ્થાને છે.
પૂર્ણયોગ ચૈતસિક પક્વતા ઊછેરે છે અને આપે છે,
અહીં મા ભગવતી, જગતજનની, વૈશ્વિક સ્વરૂપમાં બધું જ ઓગાળી દે છે અને એક વધુ ઊચ્ચતર રૂપમાં એનું રૂપાંતર કરે છે.
ચૈત્ય તત્વને ઊજાગર કરી વૈશ્વિક તત્વોને દેહસ્થ દિવ્યતામાં સ્થાપિત કરવાનાં છે.
જો દેહસ્થિત વ્યક્તિ અસ્તિત્વને ખુદથી એટલો ભયભીત બનાવાય કે એ ભયમાંથી જ બહાર ન નીકળી શકે...તો એ પછીનાં ચડાણો માટે શક્તિ અને ધૈર્ય ક્યાંથી મેળવે?
મૂળે, સ્વથી શરૂ કરીએ તો જ સર્વસ્વ સુધી પહોંચાય છે.
પછી તો પ્રભુ જ કર્તા, કર્મ, કારણ, કરણ બની જાય છે ફકત દેહ હોય છે સક્રિય માધ્યમ, એક ખપપૂરતાં નામાનિધાન સાથે...પણ સંપૂર્ણ સંધાનમાં...
કૃતજ્ઞ..ધન્ય...પ્રભુ...
પ્રણામ...
- મોરલી પંડ્યા
માર્ચ,૨૦૧૭
Flower Name:Bougainvillea 'Blondie'
Significance: Triple Protection Protection in the mind, the vital and the physical.
No comments:
Post a Comment