Wednesday, 22 March 2017

અનુભવ, સમગ્ર અનુભવતું...


અનુભવ્યું એ ઊંડે પહોંચતું
શોષાઈને કણકણે બેસતું.

મન-મતિ-તનને સમજાવતું
અનુભવ, સમગ્ર અનુભવતું.

સમજ્યાં-જોયાંથી યે ઊંચું 
અનુભવે બીજ રોપાય ઊંડું.

અંતર, સમજથી અમલનું
કાપવાનું ન બાકી રહેતું.

ઊલટું યોગ્ય સમજ આપતું
અનુભવ્યું, બનતું જીવનભાથુ.

સમજમાં ન અટવાવું સારું
અનુભવનું ડહાપણ કામનું.

બીનઅનુભવી ઠાલું, છીછરું
અનુભવ જ અહંકાર નાથતું.

'મોરલી', અનુભવોથી ભીતર પાકતું
એથી અનૂભુતિને મળતી પૃષ્ઠભૂ...


અનુભવ...
કંઈક સ્તરો અને કક્ષાની સ્થિતી...
વ્યક્તિએ, પ્રસંગે જુદી અને બદલાતી...

અનુભવ એટલે કંઈક ખાસ એવું નથી કે આંગળી મૂકીને કહી શકાય કે આ જ અનુભવ. પ્રત્યેક જીવાયેલી પળો અનુભવો જ હોય છે. જાણ્યે અજાણ્યે જે કંઈ ઈન્દ્રિયો ગ્રહે છે એ અનુભવ જ છે.

સમજમાં ક્ષમતા અપાર છે પણ જો એકલી સમજને કવચ બનાવી હોય તો કયારેક હરાવી શકે. 

જ્ઞાનથી મેળવેલી સમજમાં અનુભવની ગેરહાજરી હોય છે અને એટલે એ કાચી પડે છે. શાણપણ અને ગણતરી અનુભવ જ શીખવાડી શકે. 

ગણિતની ગણતરી સમજથી પૂરી કરી શકાય પણ જીવનનાં ગણિતમાં અનુભવે જ ગણતરી સાચી પડી શકે.

ફકત મગજનાં બંધ બારણાંથી જીવેલું જીવન જાણે અટકાયત પર હોય છે. 
જીવનની મુકતતા, અનુભવે ખુલતાં જીગરથી આવતી હોય છે. ગમે તેટલા અભણ, અણસમજ પણ જિંદગીનાં મોટાં પાઠ સમજાવી શકતાં હોય છે. 


વ્યક્તિનો ખરો વિકાસ ફકત મગજ અને મનનાં ભરાવથી નથી થતો પણ પરિસ્થિતીઓને સહજતાંમાં ઝીલવાથી થાય છે. 

અનુભવ જ આખા અસ્તિત્વને એકજૂટ કરે છે. જે તે અનુભવ સમયે વ્યક્તિ પૂરેપૂરું એકાગ્રતામાં હોય છે તેથી ઇરાદો, વિચાર, ભાવ, ઈચ્છા, અપેક્ષા, શારીરિક ક્રિયાઓ બધું જ અંદર ખૂંપી ગયું હોય છે જે પછી સર્વાંગી વિકાસમાં પરિણમે છે.

અનુભવો આનંદતું જણ જ અનૂભુતિને પાત્ર બની શકે છે...

એક પ્રકારની પૂર્વ તૈયારી!

પ્રણામ...

- મોરલી પંડ્યા 
માર્ચ, ૨૦૧

Flower Name: Tropaeolum majus
Nasturtium, Indian cress
Significance: Promise of Realisation 
The best encouragement

No comments:

Post a Comment