Sunday, 26 March 2017

હું માણસ, કહું મને...


હું માણસ, કહું મને...

કેટલું બધું મારી અંદર 
શોધે છે 'મને'
ને ત્યાં, ઈન્દ્રિયો અમસ્તી બહાર 
ચકરાવે મને...

કેટલું ઊલેચાઈને જીવંત 
ખોદે છે 'મને'
ને ત્યાં, ઔપચારિક કાચાં પડળો ગૂંગળાવે મને...

કેટલું નવેસરથી ઓળખાવે 
છે 'મને'
ને ત્યાં, તીવ્ર ઊંડા રિવાજી તાર 
રુંધાવે મને...

કેટલું અંતરે ધરેલું 
નવાજે છે 'મને'
ને ત્યાં, પેઢીઓ જૂનું સૂકું 
ખરબચડું છોલે મને...

કેટલું મારું જ જીતીને 
સુધારે છે 'મને'
ને ત્યાં, નવશેકું કરી કરીને 
તાજગી દેખાડે મને...

કેટલું આતમજોગુ જીવવાનું 
દેખાડે છે 'મને'
ને ત્યાં, ભૌતિક ભાગદોડમાં 
સંતાડે, રમાડે મને...

કેટલું અમૂલ્ય મળેલું 
સંધાવે છે 'મને'
ને 'મોરલી' ત્યાં, સતત સંધાન 
ભંગાવે મને...



આધ્યાત્મની કેડી પર ચાલતા, એક અવસ્થા આવે છે જયાં આંતરિક; વાતાવરણ, જરૂરિયાત અને ગતિ, બધું જ બાહ્ય પરિસ્થિતી એટલે કે જે હકીકત હોય એનાથી વિપરીત અથવા તો જુદું વર્તાય.

વ્યક્તિ જાણે બે ભાગમાં વહેંચાઈ ગઈ હોય.
જૂની પધ્ધતિ કહે છે કે અહીંથી પછી, પસંદગી કરવાની આવે...આ કે પેલું...સ્થૂળ કે સૂક્ષ્મ...બ્રહ્માંડ કે સંસાર...

પૂર્ણ યોગ કહે છે કે, આવા વિભાજનની આવશ્યકતા નથી. એવી કોઈ આધ્યાત્મ જગતની માંગણી નથી જયાં એક છોડો તો જ બીજું મેળવી શકાય. માટે, એક પછી જ બીજું હોય એવું નથી, 

પણ એ ચેતનાનું પરિણામ હોય છે. વ્યકિતએ એ ચેતના અવસ્થાને સ્વીકૃતિ આપી હોય છે જે હવે હકીકત બની તાદ્રશ્ય થઈ રહી છે.


અહીં બે રીતે પ્રગતિ સાધી શકાય.

આંતર-બાહ્ય સ્વને પુરૂષ સ્થાનેથી જોવો એટલે કે આતમસ્થ થઈને સાક્ષીભાવથી જોવું અને એને માન્યતા આપી સમર્પણમાં બન્ને ભાગો અને સમગ્ર અનુભૂતિને મૂકી દેવી.

આંતર-બાહ્ય બન્ને એક જ અસ્તિત્વ એટલે કે વ્યક્તિ સ્વરૂપનો હિસ્સો છે અને એક છે તો જ બીજું છે એવાં સત્યસભર ચેતનાસ્તરમાં સ્વ-સ્થાપિત થઈ સમર્પણમાં સર્વ-સ્વથી મૂકાવું...

વ્યક્તિ જ્યારે પ્રભુસંધાન પસંદ કરે પછી કયાં, કઈ રીતે યોગ્ય વિકાસશીલ વાતાવરણ મેળવવું અને એને, અભીપ્સા દ્વારા દેહસ્થ કરવું એ પણ સમર્પણ અને અભીપ્સામય ચેતનાનો જ પ્રભાવ છે...

પસંદગી પ્રભુની તો ચેતના પણ પરમદિવ્ય જ હોવી રહી...  કે જેમાં બન્ને સાંગોપાંગ વૃદ્ધિમાં હોય છે. પાર્થિવ સ્પર્શ દેહસ્વરૂપની અનન્યતાથી સભાન રાખે છે જેથી આધ્યાત્મ સત ત્યાં સ્થાપી શકાય.

પ્રભુ...પ્રભુ...

પ્રણામ...

- મોરલી પંડ્યા 
માર્ચ, ૨૦૧

Flower Name: Abutilon Xhybridum
Chinese lantern, Flowering maple, Parlor maple, Indian mallow
Significance: Promise
The future is full of promise.

No comments:

Post a Comment